- ધંધાકીય સંબંધ પર પ્રતિબંધ છતાં કસ્ટમ્સ અને ડીઆરઆઈને પહેરાવાતા ઉંધા ચશ્મા
- પીપાવાવ, મુંદ્રા, ન્હાવાશેવા બંદર પર પાકિસ્તાની ખારેકના 5,000 કન્ટેનરોનું આગમન
- કસ્ટમ્સ ડયૂટીની જગ્યાએ માત્ર 20 ટકા ડયૂટી ભરી સરકારની તિજોરીને નુકસાન
પાકિસ્તાન સાથે ધંધાકીય સંબંધો પર સરકારે પ્રતિબંધ મુકયો છે છતાં પણ ભારતના કેટલાક આયાતકારો દ્વારા પાકિસ્તાનના વેપારી સાથે વેપારીક સંબંધો ચાલુ રાખ્યા છે અને કસ્ટમ્સ કે ડી.આર.આઈ.ની આંખમાં ધૂળમાં નાખીને કે સેટિંગ કરીને પાકિસ્તાની ખારેક(ડ્રાય ડેટસ)ની ચિકકાર આયાત પીપાવાવ, મુંદ્રા, ન્હાવાશેવા સહિતના બંદરો પર કરવામાં આવી રહી છે. એક અંદાજ પ્રમાણે 40 ફુટના 5 હજાર કન્ટેનર ભારતમાં આવી રહ્યા છે છતાં કસ્ટમ્સ કે ડી.આર.આઈ. કંઈ કરી શકતું નથી અને કેન્દ્ર સરકારને રૂ.960 કરોડનો ડયૂટીરૂપે ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનથી કોઈ આયાત કરવી હોય તો કેન્દ્ર સરકાર દ્વારા એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લગાવવામાં આવી છે. એટલે કે 200 ટકા કસ્ટમ્સ ડયૂટી લાદવામાં આવી છે પણ ભેજાબાજ આયાતકારા દ્વારા સ્થાનિક કસ્ટમ્સ સાથે સેટિંગ કરી પાકિસ્તાની ઓરિજિન કાર્ગો માત્ર 20 ટકા કસ્ટમ્સ ડયૂટી વસુલી કલીયર કરી રહ્યા છે. ખારેકની સાથે પ્રતિબંધિત સોપારીનો જથ્થો પણ બેસુમાર પ્રમાણમાં કલીયર થઈ રહ્યો છે. આ માટે એક વ્યવસ્થિત ચેનલ કામ કરી રહી છે. જેને ભેદવી બહુ જ મુશ્કેલ છે. દુબઈ સ્થિત સુત્રોના જણાવ્યા મુજબ વર્ષે દહાડે 5,000 કન્ટેનર ખારેકનો જથ્થો પાકિસ્તાનથી વાયા દુબઈ થઈને ભારતના પોર્ટ પર આવી રહ્યો છે. જો 20 ટકા લેખે કસ્ટમ્સ ડયૂટી વસુલાતી હોય તો 5,000 કન્ટેનર પરથી કેન્દ્ર સરકારને રૂ.97.58 કરોડની રેવન્યુ મળે છે. જો કસ્ટમ્સ કે ડી.આર.આઈ. કોઈ સેટિંગ ન કરે તો સરકારને રૂ.960 કરોડની આવક થાય પણ આમ કરવામાં આવતું નથી. સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં ખારેકની સાથે સોપારીની પણ આવક જોરદાર થઈ રહી છે. જે તાજેતરમાં મુંદ્રા, ન્હાવાશેવા પોર્ટ પરથી ઝડપાયેલ કન્સાઈમેન્ટો પરથી માલૂમ પડી રહ્યુું છે. માત્ર સોપારી જ નહીં બલ્કે અમુક કન્ટેનરોમાં બ્લેક પેપર, ખસખસ, અખરોટની આયાત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાની કાર્ગોનું દુબઈ ઓરિજિનમાં રૂપાંતર
પાકિસ્તાનમાંથી ખારેકના કન્સાઈનટમેન્ટ સૌપ્રથમ દુબઈમાં આવે છે. જયાં આગળ ત્યાંના આયાતકારો દ્વારા આ કાર્ગોનું ચેમ્બરનું ઓરિજિનનું સર્ટિફિકેટ મેળવીને આ કાર્ગો ભારતના પોર્ટ પર રવાના કરવામાં આવે છે. જે ડોકયુમેન્ટ બનાવવામાં આવે છે તે યુ.એ.ઈ. ઓરિજિનના બનાવવામાં આવે છે. જે ભારતીય કસ્ટમ્સ માન્ય રાખી લે છે અને 20 ટકા ડયૂટીમાં કાર્ગો કલીયર કરે છે.
UAEમાં ખારેકનું ઉત્પાદન જ થતું નથી
આયાતકારો દ્વારા જે ખારેક ભારતના પોર્ટ પર કલીયર કરાવવામાં આવે છે તે પાકિસ્તાની જ હોય છે છતાં બોગસ ડોકયુમેન્ટના આધારે યુ.એ.ઈ. ઓરિજિન દર્શાવી કલીયર કરાવવામાં આવી રહી છે. ખારેકનું ઉત્પાદન દુબઈમાં થતું જ નથી માત્ર પાકિસ્તાન, ઓમાન, ઈરાન-ઈરાકમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં પણ પાકિસ્તાનમાં સૌથી વધુ ઉત્પાદન થતું હોવાને કારણે સસ્તી મળતી હોવાથી આયાતકારો પાકિસ્તાનથી જ કાર્ગો મંગાવે છે.
કસ્ટમ્સ કે DRI ઊંડી તપાસ કરતું નથી
કસ્ટમ્સ કે ડી.આર.આઈ. જયારે પણ આવી ખારેક ઝડપે છે ત્યારે શરૂઆતમાં ઈન્વેસ્ટિગેશન જોરશોરથી કરે છે. બાદમાં કયારેય મૂળ સુધી જતું જ નથી. નહીંતર કોઈની મજાલ નથી કે પાકિસ્તાની કારગો કલીયર કરાવી શકે પણ ખાટલે મોટી ખોટ એ છે કે બેમાંથી એકપણ એજન્સી ઊંડી તપાસ કરતી જ નથી. ઉપરછલી તપાસ કરી કાર્ગો ડિટેઈન કરી સંતોષ માની લે છે. જે પીપાવાવના કેસ પરથી જાણી શકાય છે. આમાં પણ કસ્ટમ્સ કે ડી.આર.આઈ. કાંઈ ઉકાળી શકી નથી.
ખજૂરની સિઝન શરૂ થવામાં છે ત્યારે એજન્સીએ એલર્ટ રહેવાની જરૂર
મોટાભાગે દિવાળીના તહેવારની આસપાસ ભારતમાં ગલ્ફના દેશોમાંથી ખજૂરની આયાત શરૂ થતી હોય છે. હવે દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને નવી સિઝનનો ખજૂર પણ ગલ્ફની બજારોમાં આવવો શરૂ થશે ત્યારે ખજૂર સાથે સોપારી, બ્લેક પેપર, અખરોટ કે ખસખસ આવવાની પુરી શકયતા છે. સુત્રો જણાવી રહ્યા છે અત્યારે કસ્ટમ્સ અને ડી.આર.આઈ. દ્વારા સર્તકતા વધારવી જરૂરી બની ગઈ છે. નહીંતર પાકિસ્તાની કાર્ગો કન્ટેનર દીઠ કસ્ટમ્સને પ્રસાદી આપી કલીયર થવા લાગશે તે નકકી છે.
કસ્ટમ્સ-DRI દુબઈથી ED કોપી મંગાવે તો હકિકત બહાર આવે
કસ્ટમ્સ-ડી.આર.આઈ.ના સ્ટાફ દ્વારા જે ખારેકનો જથ્થો ભારતીય પોર્ટ પર દુબઈથી આવે છે તેમાં તપાસ કરી જો દુબઈથી ED કોપી મંગાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ સુત્રો જણાવી રહ્યા છે. કારણ કે આ પરથી માલૂમ પડી જાય કે ટ્રાન્સશીપમેન્ટ છે કે લોકલ કાર્ગો છે. બહુ સરળ કાર્યવાહી છે પણ કસ્ટમ્સ અથવા તો ડી.આર.આઈ. કરવા ધારે તો બાકી સેટિંગ કરી લેવામાં આવ્યું હોય તો આવી કોઈ કાર્યવાહીની આશા રાખવી નકામી છે.
ન્હાવાશેવા પોર્ટ પરથી રૂ.32.31 કરોડની અખરોટના 14 કન્ટેનર ઝડપાયા
પાકિસ્તાની ખજૂરની સાથોસાથ અખરોટની પણ બેસુમાર બેનંબરમાં આયાત કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા ન્હાવાશેવા DRIએ દુબઈથી આવેલા 14 કન્ટેનરો કે જે પુના આઈ.સી.ડી.માં જતા હતા તેને રોકી તપાસ કરતા આયાતકાર દ્વારા કેલશિયમ નાઈટ્રેટ ડિકલેર કર્યુ હતું પણ તેમાંથી રૂ.32.31 કરોડની કિંમતના અખરોટ નીકળી પડયા હતા અને રૂ.36 કરોડની કસ્ટમ્સ ડયૂટીની ચોરી કરવામાં આવી હતી.