• પીડિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં ચોંકાવનારો આક્ષેપ, 4થી ડિસેમ્બરે સુનાવણી થશે

  • પહેલા યુવતીને ફ્લાઈટ એટેન્ડન્ટ અને પછી અંગત મદદનીશ બનાવી હતી
  • પોલીસે પહેલા ફરિયાદ લેવાની ના પાડી હતી

કેડિલા ફાર્માસ્યૂટિકલ્સના સીએમડી રાજીવ મોદી પહેલા ઘરેલુ હિંસાના કેસ, તે પછી ગુજરાતમાં રૂ. 200 કરોડના સૌથી મોટા છૂટાછેડાના સેટલમેન્ટ બાદ હવે ફરી એક વાર વિવાદોમાં ફસાયા છે. આ વખતે બલ્ગેરિયાની એક યુવતી, જેને રાજીવ મોદીએ પહેલા પોતાની ફ્લાઈટ એટેન્ડન્ટ અને પછી અંગત સચિવ તરીકે રાખી, તેણે રાજીવ મોદી અને કંપનીના અન્ય એક અધિકારીએ પોતાના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરતાં ઉદ્યોગ જગતમાં સોપો પડી ગયો છે. એટલું જ નહીં, બલ્ગેરિયાની આ યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં જે પિટિશન કરી છે તેમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, રાજીવ મોદી સામે પોલીસે તો પહેલાં ફરિયાદ જ લેવાની ના પાડી દીધેલી. યુવતી કોર્ટમાં ગઈ તો પોલીસે રાજીવ મોદીનો જાણે હાથો બની હોય તેમ તેના વતી ધાક-ધમકી અને દબાણ આચરી સમાધાન કરાવ્યું અને તેના આધારે ગ્રામ્ય કોર્ટે ફરિયાદ રદ કરવાનો નિર્ણય કરેલો. આવા આક્ષેપ સાથે યુવતી હાઈકોર્ટમાં આવી છે અને રાજીવ મોદી, જોન્સન મેથ્યૂ સામે જાતીય સતામણી, દુષ્કર્મ સહિતના ગુના નોંધવા, વસ્ત્રાપુર પોલીસની વર્તણૂંક બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરાવવાની માગ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. જેના પર ચોથી ડિસેમ્બરે સુનાવણી યોજાય તેવી શક્યતા છે.

યુવતીના વકીલે આપેલી વિગતો મુજબ, કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીમાં બલ્ગેરિયાની 27 વર્ષની યુવતી એમ્પ્લોઈ તરીકે 24મી નવેમ્બર 2022ના રોજ જોડાઈ હતી. કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપની દ્વારા છારોડી ખાતે રહેવાની વ્યવસ્થા કરી હતી. જે કેડીલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના સીએમડી રાજીવ મોદીના ઘરની બાજુમાં રાખવામાં આવી હતી. આ પછી કંપનીમાં કામ કરતા જોન્સન મેથ્યુએ યુવતીને બટલર કમ પર્સનલ ફલાઈટ અટેન્ડેન્ટ તરીકે રાખી હતી. પરંતુ બટલર પર્સનલ આસિસ્ટન્ટની કામગીરી કરાવામાં આવી હતી. તા.24મીના રોજ ભોગ બનેલી યુવતીને ઈન્ડકશન પ્રોગ્રામ શરૂ કરીને જુદા જુદા વિભાગોમાં કામગીરી બતાવવામાં આવી હતી. તા.21મી ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીના મેનેજરનો યુવતી પર આવ્યો હતો અને કહ્યુ કે, સીએમડી સાથે ઉદેપુર જવાનું છે. ઉદેપુરથી પરત ફરતા સીએમડીએ યુવતીની જાતીય ટિપ્પણી કરીને કહ્યુ કે, એકદમ શરમાળ છે અને ખુબજ વાચાળ થવુ જોઈએ. આ પછી તા.23મી ફેબ્રુઆરી 2023ના રોજ સીએમડી સાથે જમ્મુ ગઈ હતી. જ્યાં સીએમડીએ યુવતીને કહ્યુ કે, પી.એ. તરીકે નોકરી કરવા માંગતી હોય તો કોઈ છોછ હોવો ન જોઈએ. આ સમયે યુવતી અનકન્ફર્ટેબલ સીચ્યુએશનમાં મુકાઈ હતી. તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ અંગે ભોગ બનેલી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક. મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત જાણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ પછી ભોગ બનેલ યુવતીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેડીલા ફાર્માસ્યુટીકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે ખાનગી ફરિયાદ કરી હતી. જેમાં ભોગ બનેલી યુવતીએ એફિડેવિટની સાથે 28 દસ્તાવેજો રજૂ કર્યા હતા.કોર્ટમાં યુવતીએ ACP હિમલા જોષી પર કેટલાક કાગળો પર સહી કરાવી લેવાનો આક્ષેપ કર્યો હતો પણ કોર્ટે તેની અરજી ફગાવી દેતાં જે હુકમ કર્યો હતો તેની સામે યુવતીએ તેના એડવોકેટ રાજેશ મિશ્રા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશયલ ક્રિમિનલ રિટ અરજી કરીને દાદ માંગી હતી, કે વસ્ત્રાપુર પોલીસ મથકમાં મારી પાસે ધાક ધમકી આપીને એફિડેવિટ કરાવવામાં આવી છે. જેથી તાકીદે વસ્ત્રાપુર પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ કબજે કરવા જોઈએ. મહિલા પોલીસ મથકમાં કરેલી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવી અને યોગ્ય તપાસ કરાવી જોઈએ. જેના આધારે કોર્ટે સરકારને નોટિસ કાઢીને આગામી 4થી ડિસેમ્બરના રોજ સુનાવણી માટે રાખી છે.

આખો ઘટનાક્રમ શું હતો

  • બલ્જેરિયાની યુવતી 24મી નવેમ્બર 2022ના રોજ કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીમાં નોકરીમાં જોડાઈ
  • યુવતીને સીએમડી રાજીવ મોદીના ઘરની બાજુમાં રહેવાની વ્યવસ્થા થઈ
  • 21મી ફેબ્રુઆરી 2023ના રોજ યુવતીને સીએમડી સાથે ઉદેપુર જવા કહ્યું
  • 23મી 26મી ફેબ્રુઆરી 2023ના રોજ સીએમડી સાથે જમ્મુ લઈ જઈને દુષ્કર્મ અને જાતીય શોષણ
  • યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા, સોલા. મહિલા પોલીસ સ્ટેશનોમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેથ્યૂ સામે લેખિત ફરિયાદ કરી
  • 5-7-2023ના રોજ કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેથ્યૂ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી
  • 8-7-2023ના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પ્રથમ સુનાવણી થઈ હતી
  • 5-10-2023ના રોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે યુવતીની ફરિયાદ રદ કરી
  • 10-10-2023નો રોજ યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

મહિલાએ જ ફરિયાદ બંધ કરાવેલી : મહિલા પોલીસ

મહિલા ક્રાઈમબ્રાંચના એસીપી હિમાલા જોષીએ આ અંગે જણાવ્યું હતું કે, અરજદાર મહિલાએ જાતે જ પોતાની અરજી બંધ કરાવી હતી. આ મહિલા પર પોલીસ દ્વારા કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. આ બાબતે હાઈકોર્ટ અમને જવાબ માટે બોલાવશે તો અમે બધું રજૂ કરીશું.

જવાબો જ ન આપતાં ફરિયાદ દફ્તરે કરી : સોલા પોલીસ

 સોલા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ જીગ્નેશ અગ્રાવતએ જણાવ્યું હતું કે, સોલા પોલીસ સ્ટેશનમાં વિદેશી મહિલાએ ફાર્મા કંપનીના સીએમડી સહિત બે જણા સામે સેક્સ્યુઅલ હેરેઝમેન્ટ સહિતના આક્ષેપો કરતી અરજી કરી હતી. આ અરજીની તપાસમાં અરજદાર પોતે જવાબ લખાવવા માટે આવતા ન હતા. અરજદારે આ મામલે અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અંગે અમે રિપોર્ટ કરી કાગળો મંગાવ્યા હતા. જે કાગળોમાં તેઓના જવાબ તેમજ અન્ય તપાસના મુદ્દાઓ આધારે અમે તેઓની અરજી દફતરે કરી હતી.

પત્નીએ વ્યભિચારનો આરોપ મૂકી રાજીવ મોદી સાથે 200 કરોડમાં છૂટાછેડા લીધેલા

વાર્ષિક 2000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી કેડિલા ફર્માસ્યૂટિકલ્સના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા 26 વર્ષના લગ્ન જીવનનો પાંચ વર્ષ પહેલા અંત આવ્યો હતો. પાંચ વર્ષ પહેલા કેડિલા ફર્માસ્યૂટિકલ્સના ચેરમેન રાજીવ મોદી અને મોનિકાનો ઝઘડો સોલા પોલીસ મથક પહોંચ્યો હતો. જયા વકીલો અને પોલીસો સાથે છ કલાકની મેરેથોન વાટાઘાટો બાદ 200 કરોડમાં છૂટાછેડા લેવાનું નક્કી કર્યુ હતુ. આ પછી બન્ને જણાએ સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ ફેમિલી કોર્ટે રાજીવ મોદી અને મોનિકાના છૂટાછેડા માટે કરેલી અરજી મંજૂર કરી હતી. દેશભરમાં સૌથી મોટી રકમનું ભરણપોષણ લઇ છૂટાછેડા લેવાયા હોય એવી આ બીજા નંબરની જ્યારે ગુજરાતની પહેલા નંબરની ઘટના હતી. આ ડિવોર્સ માટે રાજીવ મોદીએ મોનિકાને 200 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે આ પહેલા ફ્લ્મિ એક્ટર ઋત્વિક રોશને સુઝાનખાનને 400 કરોડ ચૂકવીને છૂટાછેડા મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બન્ને વચ્ચેના ઝઘડાનો મામલો સોલા પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે મોનિકાએ રાજીવ પર વ્યભિચારનો તથા પોતાનું ગળું દબાવવાનો આરોપ મુક્યો હતો

  • Follow us on: