• સિવિલના ઈ-બિલ્ડિંગમાં સેન્ટર બનાવવા પ્લાનિંગની કામગીરી

  • હ્યદય રોગની સારવાર માટે અમદાવાદ કે ખાનગીમાં જવું નહીં પડે
  • સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ન બને ત્યાં સુધી જૂની બિલ્ડિંગમાં સુવિધા ઊભી કરાશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ હવે યુ. એન. મહેતા જેવી જ હ્યદય રોગની સારવાર મળી રહેશે. યુ. એન. મહેતા કાર્ડિયાક ઈન્સ્ટિટયુટ દ્વારા જ ગાંધીનગરમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવામાં આવશે. જેમાં યુ. એન મહેતાના તબીબોની ટીમ દ્વારા મુલાકાત બાદ સિવિલના ઈ-બ્લોક ખાતે કાર્ડિયાક સેન્ટર બનાવવાનું નક્કી કરાયું છે. જેને લઈને પીઆઈયુ વિભાગ દ્વારા પ્લાનિંગ સહિતની કામગીરી ચાલી રહી છે.

ગાંધીનગર મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલની સુવિધામાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. જેમાં હાલ 600 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં કાર્ડીઓલોજી વિભાગમાં હ્યદયને લગતી તમામ બિમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે. અદ્યતન મોડયુલર કાર્ડિયાક ઓપરેશન થિએટર અને સાઈસીયુ સહિતની સુવિધા હશે. જોકે આ બધા તૈયાર થતાં બે-અઢી વર્ષનો સમય લાગી જાય તેમ છે. જેને પગલે સિવિલ હોસ્પિટલની હયાત બિલ્ડિંગમાં કાર્ડિયાક સેન્ટર શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 10 કરોડથી વધુનું બજેટ પણ ફાળવી દીધું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર આયોજનને લઈને યુએન મહેતાની ટીમ તાજેતરમાં ગાંધીનગર સિવિલની મુલાકાત પહોંચી હતી. જેમાં સિવિલના બિલ્ડિંગમાં અવેલેબલ જગ્યાઓમાં ક્યાં કેથલેબ બની શકે તે માટે ચર્ચા કરાઈ હતી.

UN મહેતા...

જે અંતર્ગત સિવિલના ઈ-બિલ્ડિંગમાં કેથલેબ બનાવવા માટે નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. કાર્ડિયાક સેન્ટરનું સંચાલન યુ. એન. મહેતા દ્વારા જ કરવામાં આવશે. જેમાં ઓપરેશન થિએટર, આઈસીયુ, વેઈટિંગ એરિયા, ઓબ્ઝર્વેશન એરિયા સહિતના વિભાગો તૈયાર કરવામાં આવશે. જેમાં શક્ય હોય તેટલી વહેલી તકે કાર્ડિયાક સેન્ટર શરૂ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે વર્ષ દરમિયાન વાઈબ્રન્ટ સમિટ સહિતના રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાતા હોય છે. જેને પગલે દેશ-વિદેશના મહાનુભાવો અહીં મહેમાન બનતા હોય છે. બીજી તરફ ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે આવી કોઈ આકસ્મિક ઘટનામાં અમદાવાદ સુધી જવું ન પડે માટે કેથલેબ જરૂરી બની ગઈ છે. આરોગ્ય સચિવ દ્વારા પણ પોતાની ગાંધીનગર સિવિલની મુલાકાત સમયે હ્યદય રોગની સારવાર સંબંધિ સુવિધા જરૂરી હોવાનો વિચાર કર્યો હતો. જેને લઈને બજેટમાં પણ ગાંધીનગર સહિત રાજ્યના ત્રણ સ્થળોએ કાર્ડિયાક સેન્ટર શરૂ કરવા માટે 40 કરોડની જોગવાઈની જાહેરાત કરાઈ હતી.

નવા બનતા બિલ્ડિંગ સાથે કનેક્ટિવિટી શક્ય બનશે

ગાંધીનગર સિવિલના પીઆઈયુ વિભાગને હયાત બિલ્ડિંગમાં કેથલેબ માટેનો પ્લાન તૈયાર કરવા માટે સુચના અપાઈ હતી. જે તૈયાર થયા બાદ યુ. એન. મહેતાના ટીમ સાથે ચર્ચાઓને અંતે જરૂરી ફેરફારને અંતે કામગીરી શરૂ કરવાનું આયોજન છે. નવી બની રહેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઈ-બિલ્ડિંગ વચ્ચે એક રોડ જ આવેલો છે. જેને પગલે ભવિષ્યમાં નવી બિલ્ડિંગ બન્યા બાદ પણ જો જરૂર લાગશે તો નવી-જૂની બિલ્ડિંગ વચ્ચે બ્રીજ જેવો રસ્તો ઉભી કરી શકાય તેમ છે. જેને પગલે જૂની બિલ્ડિંગમાં થયેલા કરોડોના ખર્ચ પછી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે.


  • Follow us on: