- સોશિયલ મીડિયાનો ઉપયોગથી અમદાવાદનો સૌથી મોટો ડ્રગ્સ સપ્લાયર બન્યો
- થાઇલેન્ડથી રૂ.50 હજારમાં 28 ગ્રામ ડ્રગ્સ મગાવતો
- અમદાવાદમાં એક ગ્રામ રૂ.2,500થી 3,500 સુધીમાં વેચતો
બોપલના ઉલારિયા ગામ પાસેથી હાઈબ્રિડ ગાંજા અને ચરસ સાથે ગ્રામ્ય એસઓજીએ લલિત અને અર્ચિત અગ્રવાલની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા ડ્રગ્સનો કાળો કારોબાર સોશિયલ મીડિયાથી ચાલતો હોવાનું સામે આવ્યું છે. આરોપી અર્ચિત ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ સહિત વિદેશમાંથી રમકડાંના પાર્સલ તેમજ પ્રોટીન્સના ડબ્બામાં વેક્યૂમ સીલ કરી ડ્રગ્સ મગાવીને અમદાવાદમાં મોટાપાયે વેચાણ કરતો હતો. આ ઉપરાંત ડ્રગ્સની ડિલિવરી માટે અર્ચિતે અનેક યુવકોને કામગીરી સોંપી હોવાનું પણ ખૂલ્યું છે. અર્ચિત ક્રિપ્ટો કરન્સીથી રૂપિયા ચૂકવતો હતો. ઉલ્લેખનીય છે કે, ગાંજાનો જથ્થો ઘાટલોડિયા ખાતે રહેતા યુવકને આપ્યો હોવાનું સામે આવ્યા બાદ પોલીસે ઘાટલોડિયાના યુવકની ધરપકડ કરીને 373 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારબાદ પૂછપરછ કરતા પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી હતી.
બોપલ ઉલારિયા ગામ પાસેથી હાઈબ્રિડ ગાંજા અને ચરસના જથ્થા સાથે ગ્રામ્ય એસઓજીની ટીમે કાપડના વેપારીનો પુત્ર અર્ચિત અગ્રવાલ અને તેના ગોડાઉનમાં રહીને ડ્રગ્સની ડિલીવરી કરનાર લલિત ઉફ્ર્ે ક્રિષ્ના બૈસની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા હાઈબ્રિડ ગાંજાનો એડિકટેડ ઘાટલોડિયાના જયરાજ પટેલનું પણ નામ સામે આવ્યું હતું, આથી આ કેસમાં પોલીસે જયરાજ પટેલની પણ ધરપકડ કરી છે. અર્ચિત અગ્રવાલ થાઈલેન્ડ અને સ્પેન જેવા દેશના અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં હોવાનું તથા થાઇલેન્ડથી 100થી 150 ગ્રામ હાઈબ્રિડ ગાંજો અને ચરસ રમકડાની રિમોટવાળી ગાડીમાં અથવા તો પ્રોટીન્સના ડબ્બામાં વેક્યુમ સીલ કરી મંગાવતો હતો. સાથે જ થાઇલેન્ડથી રૂ.50 હજાર રૂપિયાનું 28 ગ્રામ ડ્રગ્સ મગાવતો અને એક ગ્રામ રૂ.2,500માં વેચાણ કરતો હતો. અર્ચિત ઈન્સ્ટાગ્રામ આઈડી થકી હાઈબ્રિડ ગાંજો મંગાવતો અને અમુક વાર હિમાચલ પ્રદેશથી પણ ડ્રગ્સ મંગાવતો હતો. જેના રૂપિયા તે ક્રિપ્ટો કરન્સીમાં બિટકોઈન મારફ્તે ચુકવતો હતો. અત્યાર સુધીમાં તેણે આ રીતે 93 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આરોપી આરોપી જુલાઈ 2022 થી ડ્રગ્સના કારોબારમાં સંકળાયો હોવાનું ખુલ્યું છે. જોકે આ કેસમાં અનેક દેશની અને વિદેશની ઈન્સ્ટાગ્રામ આઈડી થકી ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો ખુલાસો થતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે આ કેસમાં વચેટિયા તરીકે કામ કરતા અજય વાઘેલાની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.










