કેન્દ્ર સરકારે આજે જાતિ આધારીત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે કેન્દ્ર સરકારના જાતિ આધારીત વસ્તી ગણતરીના નિર્ણય મુદ્દે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસની સરકાર વખતે જાતિ આધારીત વસ્તી ગણતરીનો વિરોધ કરાયો હતો. વિપક્ષમાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.
જાતિ આધારિત વસ્તી ગણતરીને અમે રાજકીય નહીં પણ વિકાસલક્ષી મુદ્દો માન્યો
ત્યારે આજે સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લીધો છે. વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસે જાતિ આધારિત ગણતરીને રાજકીય મુદ્દો બનાવ્યો હતો. જાતિ આધારિત વસ્તી ગણતરીને અમે રાજકીય નહીં પણ વિકાસલક્ષી મુદ્દો માન્યો છે. કોંગ્રેસે આ મુદ્દે માત્રને માત્ર રાજકીય ઉપયોગ કર્યો છે.
જ્ઞાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ગુજરાત ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન
બીજી તરફ જ્ઞાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે ગુજરાત ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપતા કહ્યું કે કેન્દ્રની કેબિનેટ એ નિર્ણય લીધો તેનાથી તમામ સમાજને લાભ થશે. કોંગ્રેસ અત્યાર સુધી જાતિગત રાજકારણ કર્યું છે. મોદી સાહેબનો સ્પષ્ટ એજન્ડા છે સબકા સાથ સબકા વિકાસ. બાબા સાહેબ આંબેડકર દ્વારા કહેવામાં આવ્યું હતું કે દલિત શોષિત વંચિતનો વિકાસ કરવામાં આવે.
જ્ઞાતિ આધારિત ગણતરી મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા
ત્યારે જ્ઞાતિ આધારિત ગણતરી મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આ માગ કરી રહી હતી, વસતી ગણતરી ઝડપી કરવામાં આવે અને દેશવાસીઓને લાભ મળે તેવી કોંગ્રેસની અપીલ છે. બંધારણ બચાવવા કોંગ્રેસ લડી રહ્યું છે. જાતિ ગણતરી મોદી સરકારે અટકાવી હતી. કોંગ્રેસની માગ મુજબ આખરે સરકારે નિર્ણય લીધો છે.









