- જીરું, ધાણામાં વાવેતર ઓછું થયું હોવાથી માવઠાથી મોટા નુકસાનની સંભાવના ઓછી
- પવન સાથે વરસાદ પડતા ઉત્તર ગુજરાતમાં એરંડાના છોડ ભાંગી ગયા અને ફ્ળ ખરી પડયા
- ગુજરાતમાં અત્યાર સુધીમાં શિયાળુ પાકનું સિઝનનું સરેરાશ 26% વાવેતર
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે સોમવારે ગુજરાતમાં કમોસમી વરસાદ પડયો હતો અને તેના કારણે કપાસ અને એરંડાના પાકને વ્યાપક નુકસાની ગઈ છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ આવવાથી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એરંડાના છોડ ભાંગી ગયા હતા અને અમુક જગ્યાએ દાણા ખરી પડયા છે. આ ઉપરાંત કપાસમાં ઉભા પાકમાં વરસાદ પડવાથી ફૂલમાં બગાડ થવાની સંભાવના છે જેના કારણે કોટનની ક્વોલિટી બગડશે. જોકે, જીરું, ઘઉં, ધાણા, મકાઈ સહિતના શિયાળુ પાકમાં વાવેતર હજુ શરુ થયું હોવાથી નહિવત નુકસાની છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં શિયાળુ પાકનું સિઝનનું સરેરાશ 26% વાવેતર થયું છે અને ઘણા વિસ્તારોમાં વાવણી ચાલુ છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એસોસિએટ રિસર્ચ સાયન્ટિસ્ટ એમ. જી. ધાંધલિયાએ જણાવ્યું કે, જીરુમાં છોડ ઉગવાની શરૂઆત થઇ હશે તે પાકને નુકસાન નહિ જાય પણ જે જમીનમાં છોડ ઉગ્ય નહિ હોય તેવા ભાગમાં નુકસાની થવાની સંભાવના છે. જયારે કપાસમાં પાક ઉભો છે તેના માટે આ વરસાદ હાનીકારક સાબિત થઇ શકે છે. બીજી તરફ્ જે વિસ્તારમાં વાવણી શરુ થઇ છે તે વિસ્તારમાં ખેડૂતોને આ વરસાદથી ફાયદો પણ થશે. શિયાળુ પાકનું વાવેતર હજુ ચાલુ છે એટલે નુકસાન થાય તો પણ ખેડૂતો પાસે બીજી વાર પાક લઇ શકાય એટલો સમય છે.
કપાસની ક્વોલિટી બગડી શકે છે
કપાસના ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડયો છે. આ ઉપરાંત અમુક જગ્યાએ કરા પણ પડયા છે. આ સ્થિતિમાં કપાસના ઉભા છોડમાં વરસાદી પાણી પડવાથી કપાસના ફૂલમાં બગાડ આવી શકે છે. આ સ્થિતિમાં કપાસની ગુણવત્તા બગડવાની સંભાવના છે. વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવક ઓછી થઇ છે. આ સ્થિતિમાં એક સપ્તાહ સુધી કપાસ, કપાસિયા અને રૂમાં ભાવ સામાન્ય વધી શકે છે.
એરંડાના પાકને વ્યાપક નુકસાન
એરંડાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, એરંડાના સૌથી મોટા ઉત્પાદક વિસ્તાર ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પાકને નુકસાન ગયું છે. ભારે પવન સાથે વરસાદ આવવાથી અનેક ખેડૂતોના છોડ પડી ગયા છે અને તૂટી પણ ગયા છે. વધુ પવનના કારણે એરંડામાં ફૂલ નીકળ્યા હતા તે ખરી ગયા છે એટલે નુકસાની વધશે. જે ભાગમાં પાક નામી ગયો છે તેની ક્વોલિટી નબળી પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ અને કરા પડવાના કારણે આવી જ સ્થિતિ જોવા મળી છે.
બજાર ભાવને થોડો ટેકો મળશે
કોમોડિટી એડવાઈઝરીના એનાલીસ્ટ અજય કેડિયાએ જણાવ્યુંહતું કે, તાજેતરના ભારે વરસાદ અને અતિવૃષ્ટિએ ઉભા પાકને નુકસાન પહોંચાડયું છે અને જીરાની વાવણીને અસર કરી છે. ખેડૂતોને ખાસ કરીને એરંડા, કપાસ, તુવેર અને ચણાના પાકમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. અણધારી હવામાન પરિસ્થિતિઓએ કટોકટી સર્જી છે, નુકસાનની વાસ્તવિકતા આગામી 2-3 દિવસમાં સ્પષ્ટ થશે, પરંતુ પાકની ઉપજ પર પ્રતિકૂળ અસરને કારણે બજાર ભાવને ટેકો મળવાની અપેક્ષા છે.