• 209 પશુ માલિકો વિરૂદ્ધ FIR, 922ને નોટિસ

  • પશુ રાખવા 1,070 અરજી પૈકી 123 મંજૂર
  • પુરાવાના અભાવે 309 અરજી નામંજૂર

અમદાવાદ મ્યુનિસિપલ હદ વિસ્તારમાં લાઈસન્સ/રજિસ્ટ્રેશન વિનાના પશુઓને CNCD વિભાગ દ્વારા પકડી લેવામાં આવશે. AMC હદમાં ઢોર રાખવા અંગે પશુમાલિકોને નોંધણી કરાવવા, RIFD ચીપ લગાવવા, અને રજિસ્ટ્રેશન કરાવ્યા વિનાના તમામ ઢોરને તા. 1 ડિસેમ્બર, 2023 પહેલાં અમદાવાદ શહેરની બહાર ખસેડી લેવા પશુમાલિકો/પશુપાલકોને અંતિમ ચેતવણી આપવામાં આવી છે અને આવતીકાલ તા. 1 ડિસેમ્બરથી શહેરમાં લાઈસન્સ વિનાના અને રજિસ્ટ્રેશન વિનાના ઢોર જોવા મળશે તો ઢોર જપ્ત કરી લેવામાં આવશે. આ હેતુસર AMC દ્વારા જાહેરખબર અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. CNCD વિભાગ દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાંથી 1,070 અરજી રજૂ કરાઈ હતી અને તે પૈકી 123 અરજી મંજૂર કરવામાં આવી છે અને 309 અરજી પુરાવાના અભાવે નામંજૂર કરાઈ છે અને 638 અરજી પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે. AMC દ્વારા પશુ માલિકોને તા. 1 સપ્ટેમ્બરથી ઢોર રાખવા અંગે લાયસન્સ મેળવવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 8,121 ઢોર પકડવામાં આવ્યા છે અને 209 પશુ માલિકો વિરૂદ્ધ FIR કરવામાં આવી છે અને 922 પશુમલિકોને નોટિસ ફટકારાઈ છે.

 અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને નાના મોટા અને કેટલાંક કિસ્સામાં જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢયા પછી AMCનો CNCD વિભાગ સક્રિય બન્યો છે અને શહેરમાં ઢોર પકડવા, લાઈસન્સ/પરમિટ વિના પશુ નહીં રાખવા અંગે અંતિમ સૂચનાની જાહેર નોટિસ આપીને આવીતકાલ તા. 1 ડિસેમ્બરથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


  • Follow us on: