• સીબીએસઈ દ્વારા સતત ત્રીજા વર્ષે બંને મુખ્ય પરીક્ષાના એકસાથે રિઝલ્ટ

  • ગત વર્ષના રિઝલ્ટમાં સામાન્ય વધારો, સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધ્યા
  • ધો.12નું રિઝલ્ટ 87.98 ટકા રહ્યું છે જે ગત વર્ષ કરતા 0.65 ટકા ઉંચું

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ અને કોમર્સ તેમજ ધો.10નું રિઝલ્ટ જાહેર કર્યા બાદ હવે સીબીએસઈએ પણ સતત ત્રીજા વર્ષે ધો.10 અને ધો.12ની મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. બોર્ડમાં ગુજરાતનું ધો.10નું 97.73 ટકા રિઝલ્ટ આવ્યું છે જે ગત વર્ષે 97.74 ટકા હતું. જ્યારે ધો.12નું 92.03 ટકા જાહેર થયું છે જે ગત વર્ષે 91.62 ટકા હતું. સમગ્ર દેશનું ધો.10નું રિઝલ્ટ 93.60 ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતા 0.48 ટકા વધુ છે. ધો.12નું રિઝલ્ટ 87.98 ટકા રહ્યું છે જે ગત વર્ષ કરતા 0.65 ટકા ઉંચું છે.

સીબીએસઈ દ્વારા ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન સમગ્ર દેશમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાતનું રિઝલ્ટ પર નજર કરીએ તો ધો.10માં આ વર્ષે ખાનગી સ્કૂલો, કેન્દ્રીય વિદ્યાલયો, જવાહર નવોદય વિદ્યાલયો અને સરકારી સ્કૂલો સહિતની તમામ સ્કૂલોના નોંધાયેલા કુલ 38,946 વિદ્યાર્થીમાંથી 38,844 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 37,963 વિદ્યાર્થીઓ પાસ થતા ગુજરાતનું સરેરાશ પરિણામ 97.73 ટકા રહ્યું છે. જે ગત વર્ષે 97.74 ટકા હતું. મતલબ ધો.10નું પરિણામ ગત વર્ષ જેટલું કહી શકાય તેવું આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ 97.25 ટકા અને વિદ્યાર્થિનીઓનું 98.39 ટકા રહ્યું છે. દર વખતની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ રપહ્યું છે. ધો.10નું સરકારી સ્કૂલોનું 95.56 ટકા, ખાનગી સ્કૂલોનું 97.56 ટકા, જવાહર નવોદય વિદ્યાલયોનું 99.63 ટકા પરિણામ અને કેન્દ્રીય વિદ્યાલયોનું 99.23 ટકા પરિણામ રહ્યું છે.

ધો.12 (સાયન્સ, કોમર્સ, હ્યુમિનીટીઝ)નું 92.03 પરિણામ રહ્યું છે. જે ગત વર્ષે 91.62 ટકા હતું. મતલબ 0.41 ટકા વધ્યું છે. તમામ સ્કૂલોના નોંધાયેલા કુલ 29,122 વિદ્યાર્થીઓમાંથી 29,026 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 26,714 પાસ થયા હતા. ધો.12માં વિદ્યાર્થીઓનું 90.45 ટકા, વિદ્યાર્થિનીઓનું 94.23 ટકા પરિણામ રહ્યું છે. ધો.12માં વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ છે. ગત વર્ષે પણ વિદ્યાર્થિનીઓનું પરિણામ વધુ હતું.

સરકારી સ્કૂલોનું ધો.12નું 97.15 ટકા, ખાનગી સ્કૂલોનું 91.50 ટકા, જવાહર નવોદય વિદ્યાલયોનું 99.52 ટકા, કેન્દ્રીય વિદ્યાલયોનું 99.54 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં ગત વર્ષે ધો.10માં કુલ 34,708 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ વર્ષે 38,844 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ધો.12માં ગત વર્ષે 24,935 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે 29,026એ પરીક્ષા આપી છે. મતલબ રાજ્યમાં સીબીએસઈ સ્કૂલોની સંખ્યા વધવા સાથે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. સરકારી સ્કૂલોમાં ગત વર્ષે ધો.10માં માત્ર 100 જેટલા વિદ્યાર્થી હતા તેમાં આ વર્ષે 7 ગણો વધારો થયો છે. સરકારી સ્કૂલોમાં ગત વર્ષે ધો.12માં માત્ર 58 વિદ્યાર્થી હતા. આ વર્ષે 246 વિદ્યાર્થી નોંધાયા છે.

  • Follow us on: