ચાણસ્મામાં મહેસાણા હાઇવે પર આવેલ બંસી હોટલના બાજુમાં બનાવેલ નાસ્તા માટેના શેડમાં અગમ્ય કારણોસર આગની ઘટના બનવા પામી હતી. જેના કારણે હોટલમાં જમવા આવેલ લોકોમાં થોડીક ક્ષણો માટે નાસભાગ મચી ગઇ હતી. ચાણસ્મા પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનું ટેન્કર મંગાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે બનેલી આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આગની ઘટનાની જાણ શહેરમાં થતા લોકો ના ટોળેટોળા ઉમટી પડયા હતા.ચાણસ્માથી મહેસાણા હાઇવે પર આવેલ હોટલ બંસી ખાતે રવિવારે બાજુમાં બનાવેલ નાસ્તા માટેના સેડમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જ્યારે આગના ધુમાડાના ગોટેગોટા નિકળતા લોકો ગભરાઈ ગયા હતા અને ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે હાઇવે પર આવેલ પોલીસ ચોકી પર રહેલા પોલીસ કર્મચારીઓને જાણ થતા અશોકભાઈ ચૌધરી નવલસિંહ દરબાર સહિતના પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનો દોડી આવી પ્રાઈવેટ પાણીનું ટેન્કર મંગાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બનેલી ઘટનામાં શેડ બળીને ખાક થઇ ગયો હતો જ્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લોધો હતો.
