- દર્દી એક-હોસ્પિટલ બે જેવી ગરબડમાં ગુજરાત દેશમાં અવ્વલ
- નાણાં પડાવવાના ખેલમાં ગુજરાતની 302 હોસ્પિટલો સામેલ
- મોત પછી મૃતદેહની સારવાર કરીને હોસ્પિટલોએ નાણાં ખંખેર્યા
ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર આપતી સરકારની લોકપ્રિય યોજના પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં ગોલમાલ થયાના સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, ગુજરાતમાં 13,860 દર્દી એવા હતા જે પહેલેથી જ કોઈ એક હોસ્પિટલમાં દાખલ હતા, અલબત્ત, આ જ સમયગાળા દરમિયાન એને એ જ દર્દીએ બીજી હોસ્પિટલમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. જે કોઈ પણ કાળે શક્ય નથી. હૃદય રોગની સારવાર લેતો દર્દી એ જ અરસામાં બીજી હોસ્પિટલમાં કિડનીની સારવાર કે સર્જરી કઈ રીતે મેળવી શકે તે એક મોટો પ્રશ્ન છે. એક જ માનવ શરીર એ જ સમયે અલગ અલગ હોસ્પિટલમાં કઈ રીતે શક્ય હોય? આ ભોપાળું કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં ખૂલ્યું છે. ગુજરાત 21,514 કેસમાં 13,860 દર્દીની સાથે આ મામલે દેશભરમાં અવ્વલ છે. આવા કિસ્સામાં ગુજરાતની 302 હોસ્પિટલો સામેલ છે. આ આંકડા પરથી એ વાત સામે આવે છે કે, એક જ દર્દીના નામે બીજી જગ્યાએથી પણ નાણાં ખંખેરવામાં આવ્યા છે.
જુલાઈ 2020ના અરસામાં ડેટા વિશ્લેષણ પરથી આ બાબત ખૂલી છે કે, આયુષ્યમાન યોજનાની સિસ્ટમે હોસ્પિટલમાં જે દર્દી ભરતી થયેલ છે, એને એ જ દર્દીને એ સમય ગાળામાં બીજી હોસ્પિટલમાં પ્રવેશ લેતાં રોક્યા નથી. નેશનલ હેલ્થ ઓથોરિટીએ આ ભૂલ સ્વીકારી હતી, એટલું જ નહિ પરંતુ સાથે એવું કારણ પણ દર્શાવ્યું હતું કે, હોસ્પિટલમાં બાળક જન્મે એવા કિસ્સામાં માતા એ જ હોસ્પિટલમાં હોય પણ નવજાત શિશુની સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરાય તો તેવા સંજોગોમાં માતાનો જ પીએમજેએવાય આઈડી કાર્ડ વપરાયો હોય છે. જોકે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે આ દલીલ સામે કહ્યું છે કે, આ કિસ્સાઓમાં મહિલાઓ જ નહિ પરંતુ પુરુષ દર્દી પણ સામેલ હતા. મહત્ત્વનું છે કે, આયુષ્યમાન મા યોજનામાં ગુજરાતમાં મૃત્યુ પામેલા દર્દીઓ પર પણ સારવાર કરાયાના કિસ્સા સામે આવ્યા છે, દર્દીનાં મોત પછી નવી સારવારના નામે ય નાણાં ચૂકતે કરી દેવાયા છે. ગુજરાતમાં 47 મૃતકોની સારવાર સંબંધિત 51 દાવા રજૂ કરાયા હતા, જેમાં 17.91 લાખથી વધુ રકમની હોસ્પિટલોને ચુકવણી કરવામાં આવી હતી. નેશનલ હેલ્થ ઓથોરિટીની સાથે સાથે સ્ટેટ હેલ્થ ઓથોરિટીએ અનિયમિત ચુકવણી અને ગરબડ થવાના જોખમથી બચવા માટે તમામ કિસ્સાઓમાં તપાસ નક્કી કરવી જોઈએ તે પ્રકારની ભલામણ કરવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ હોસ્પિટલમાં બેડની સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં દર્દી દાખલ હોવાનું પણ બહાર આવ્યું છે, જેમ કે કોઈ એક હોસ્પિટલની બેડ કેપેસિટી 55 બેડની છે પરંતુ આ હોસ્પિટલમાં 240 દર્દીને દાખલ કરાયા હોવાની ધુપ્પલ સામે આવી છે. આ ઉપરાંત ડેથ સમરી રિપોર્ટ અને મૃત્યુના ઓડિટ રિપોર્ટ વિના પણ હોસ્પિટલોને બારોબાર નાણાં ચુકવવામાં આવ્યા હતા. ગુજરાતમાં 1,547 મોતના કિસ્સામાં કોઈ પ્રકારના રિપોર્ટ જ નહોતા.










