- પુરૂષો માટે રૂ. 500 રૂપિયા ચાર્જ રહેશે
- મહિલાઓ માટે રૂ.250 ચાર્જ વસૂલાશે
- 12 વર્ષથી નાના બાળકો માટે કોઈ ચાર્જ નહીં
મધ્ય ગુજરાતમાં આવેલ અતિપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં હવે ભક્તોને દર્શન માટે ખાસ સુવિધા મળશે. તેઓ સરળતાથી રૂપિયા ખર્ચ કરીને વીઆઈપી લાઈનમાં દર્શન કરી કરશે. મંદિરમાં પુરુષો, મહિલાઓ માટે અલગ અલગ ચાર્જ લેવાશે અને સાથે જ 12 વર્ષથી નાના બાળકો માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં ડાકોર મંદિરમાં VIP દર્શન કરી શકાશે.
ગુરુવારથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો
પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો લ્હાવો લેવા માટે દર્શનાર્થીએ અલગ અલગ ચાર્જ ચૂકવવા પડશે. વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે. ટેમ્પલ કમિટીએ કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરાતના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.
અન્ય કયા ચાર્જ દર્શનાર્થીઓએ ચૂકવવા પડશે તે પણ જાણો
મહિલાઓની લાઈનમાં પુરૂષોએ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. તો અન્ય કિસ્સામાં મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે લેવામાં આવશે. આ સિવાય હાલમાં નક્કી કાઉન્ટર પર ચાર્જ ભરીને વીઆઈપી દર્શન કરી શકાય છે. આ સુવિધા દર્શનાર્થીઓને ઓનલાઈન મળી રહે તેની તૈયારીઓ વિશે પણ ચર્ચા ચાલી રહી છે. જલ્દી આ અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે તમામ લોકોને પોસાઈ શકે તેમ નથી. આ નિયમના કારણે જે દર્શનાર્થીઓ પૂનમ ભરવા ડાકોર મંદિરે આવે છે તેમને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.









