- ભગવાન વિષ્ણુ દેવઉઠી એકાદશી સુધી શયનમાં
- 4 માસ લગ્ન મુહૂર્ત નહીં
- ચાતુર્માસના આરંભ સાથે જ પર્વોની વણઝાર જોવા મળશે
હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતી દેવપોઢી એકાદશીની રવિવારે અષાઢ સુદ એકાદશીએ ઉજવણી થશે. મંદિરોમાં પૂજા-અર્ચના અને મહાઆરતી સહિતના આયોજનો કરાયા છે. બીજીબાજુએ દેવપોઢી એકાદશી સાથે જ હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ થશે. મંદિરમાં માન્યતા અને પરંપરાને આધીન ભગવાન વિષ્ણુ દેવઉઠી એકાદશી સુધી શયન મુદ્રામાં રહેતા હોય 4 માસ લગ્નસરાને વિરામ રહેશે. 4 નવેમ્બરે દેવઉઠી એકાદશીએ ચાતુર્માસ પૂરા થશે, પરંતુ લગ્નમુહૂર્ત માટે 25 નવેમ્બર સુધી રાહ જોવી પડશે.
જ્યોતિષીના જણાવ્યા મુજબ, 10 જુલાઇના રોજ દેવશયની એકાદશીથી હિન્દુ ચાતુર્માસ શરૂ થશે. 4 નવેમ્બરના રોજ કારતક સુદ એકાદશી સુધી ચાતુર્માસ રહેશે. તે દિવસે તુલસી વિવાહના આરંભ સાથે જ લગ્ન સહિતના શુભકાર્યોનો આરંભ થશે. વિવિધ કથાને આધીન અષાઢ સુદ અગિયારસને દેવશયની એટલે કે હરશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને નીચી એકાદશી પર કહે છે. કારણ કે, આ દિવસથી ચાતુર્માસમાં શું ખાવાનું અને શું નહીં ખાવાનું તેના નિયમો લેવાઇ છે. આ ચાર માસ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે. આ ચાર માસનું વિશ્વનું નિયંત્રણ શિવજીને સોંપી દેતા હોવાની પણ માનતા છે. તેને કારણે જ શ્રાવણમાં શિવજી, ભાદરવામાં ગણેશજી, આસોમાં માતાજીની આરાધના-પૂજાનું મહાત્મય છે. આ સમયમાં લગ્ન, જનોઇ, વાસ્તુ જેવા માંગલિક કાર્યો થતા નથી.










