સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ધ્રાંગધ્રા હાઈવે પર કેમીકલ ચોરીની બાતમી મળતા બુધવારે મોડી રાત્રે રેડ કરાઈ હતી.
જેમાં 4 શખ્સો ટેન્કર, ટેમ્પી, કેમીકલ અને ચોરી કરવાના સાધનો સહિત રૂપીયા 83,89,075ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. આ બનાવમાં 4 શખ્સોને ઝડપી લઈ ફરાર થનાર સહિતનાઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ઝાલાવાડમાંથી પસાર થતા અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા પાસે અવારનવાર વાહનોમાંથી ઈંધણ, લોખંડ ચોરીના બનાવો બને છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બુધવારે રાત્રે દરોડો કરી કેમીકલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. એસએમસીની ટીમને ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર રામાપીરના મંદિર પાસે આવેલ તળાવની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેમીકલ ચોરીનું કારસ્તાન ચાલતુ હોઈ રેડ કરી હતી. જેમાં પોલીસને જોઈ નાસભાગ મચી હતી. જયારે પોલીસે રાજસ્થાનના રમેશ કુરાજી મીના, રાકેશ હીરાલાલ મીના, રમેશ મોહનભાઈ મીના અને સાવન ધનજીભાઈ રાજગોરને ઝડપી લીધા હતા. આ શખ્સોની પુછપરછ દરમિયાન હાઈવે પર પસાર થતા કેમીકલ ભરેલા ટેન્કરોમાંથી કેમીકલ ચોરી કરાતી હતી. અને આ ચોરી યુવરાજસીંહ જાડેજા કરાવતા હોવાનું પણ ખુલ્યુ હતુ. જયારે દરોડા દરમિયાન શૈલેષ પટેલ, રાહુલ, જીવો, ચીકો સહિતનાઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે દરોડાના સ્થળેથી રૂ. 45 લાખનું ટેન્કર, રૂ. 5 લાખની ટેમ્પી, રૂ. 20 હજારના 4 મોબાઈલ ફોન અને રૂ. 33.50 લાખથી વધુના કેમીકલ સાથે ચારેયને ઝડપી લીધા હતા. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એસ.એમ.સોલંકી ચલાવી રહ્યા છે.