પર્યાવરણ એ દરેક જીવ સૃષ્ટિનો આધારસ્તંભ છે. તેથી તેની કાળજી રાખવી એ દરેક જીવ માટે ખુબ જ મહત્વનું છે. પ્રાકૃતિક સંસાધનોના વધુ પડતા ઉપયોગની વર્તમાન ગતિથી, ભાવિ પેઢી આ સંસાધનોથી વંચિત રહેવાની સંભાવના છે. તેથી જ વિશ્વભરના લાખો લોકો ભાવિ પેઢીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે પર્યાવરણનુ જતન કરવા તરફ વળી રહ્યાં છે. તેમજ લોકોને પર્યાવરણના સંવર્ધન માટે જાગૃત કરવા દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામાં આવે છે.
વિશ્વ પર્યાવરણ દિવસનો ઇતિહાસ, વર્ષ 1972માં Stockholm માં થયેલી United Nations Conference on the Human Environment માં આ દિવસનો પ્રસ્તાવ આવ્યો હતો. ત્યાર બાદ 1974થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. જેની સૌ પ્રથમ થીમ હતી. Only One Earth. આમ, 1974થી દરવર્ષે દેશભરમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની અલગ-અલગ થીમ આધરિત ઉજવણી કરાય છે. જયારે સમગ્ર વિશ્વમાં વર્ષ 2025ની ઉજવણી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો થીમ પર કરાશે.
2025ની થીમ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (UNEP) દ્વારા ચલાવાતા #BeatPlasticPollution અભિયાન સાથે સંકળાયેલી છે. આ અભિયાનનો ઉદ્દેશ છે કે, પ્લાસ્ટિક ઉપયોગને ઘટાડવું. પ્લાસ્ટિકનો પુનઃઉપયોગ અને રિસાઇક્લિંગને પ્રોત્સાહન આપવું. ટકાઉ વિકલ્પો અપનાવવા અને પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશમાં ફેરફાર લાવવાનો છે.
પર્યાવરણ બચાવવું એ આપણા દરેકની ફરજ છે. જેમાં આપણે પોતાના નાનામાં નાનું યોગદાન આપી પર્યાવરણમાં સુધારો લાવી શકીએ છીએ. જેમાં વૃક્ષો વાવવા તેમનું રક્ષણ કરવું તે અંગે જાગૃતિ ફેલાવાશે.
જિલ્લામાં જનજાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમનું આયોજન
છોટાઉદેપુર જિલ્લામાં તા.22મે થી 5જૂન સુધી વિવિધ કાર્યક્રમોનો આયોજન કરીને જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં જાહેર જગ્યાઓ પર પર્યાવરણ જાગૃતિ અભિયાનના બેનર અને હોર્ડીંગ લગાવવાની કામગીરી, સાઇકલ રેલી, બાઇક રેલી, સ્કૂલ પ્રોગ્રામ, વૃક્ષારોપણ, ઇકો ટુરીઝમ સેન્ટર પર પ્લાસ્ટિક સફાઈ, રેંજ ઓફીસ, વિભાગીય કચેરી, નર્સરી, પ્લાન્ટેશન વિસ્તાર, ધાર્મિક સ્થળો અને જળ સ્ત્રોત વિસ્તારમાં પ્લાસ્ટિક સાફ સફાઈ ની કામગીરી કરાઇ રહી છે.
જિલ્લામાં વનવિભાગ દ્વાર વર્ષ-2024માં દરમિયાન 14.11 લાખ રોપાનું વાવેતર કરાયું
પર્યાવરણ માટે વૃક્ષો ખુબ મહત્વનો ભાગ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વનવિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન 135 હેક્ટર વિસ્તારમાં 14.11લાખ રોપાનું વાવેતર કરાશે. સાથે જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સંખેડા રેંજમાં વર્ષ 2024માં 3.88લાખ રોપાનું વિતરણ કરાયું હતું. વર્ષ 2025માં અંદાજે 5.12લાખ રોપા વિતરણનું આયોજન છે. પાવીજેતપુર રેંજમાં વર્ષ 2024માં 3.87લાખ રોપાનું વિતરણ અને વર્ષ 2025માં અંદાજે 5.11લાખ રોપાનું વિતરણ કરાશે. નસવાડી રેંજમાં વર્ષ 2024માં 3.87લાખ રોપાનું વિતરણ અને વર્ષ 2025માં અંદાજે 5.11લાખ રોપાનું વિતરણ કરાશે. છોટાઉદેપુર રેંજમાં વર્ષ 2024માં 2.11લાખ રોપાનું વિતરણ કરાયું અને વર્ષ 2025માં અંદાજે 5.11લાખ રોપાનું વિતરણ કરાશે. જિલ્લામાં ચાર રેંજમાં વર્ષ 2024માં કૂલ 13.73લાખ રોપાનું વિતરણ કરાયું હતું.