• હાલમાં છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના જોબટ સુધી જતી બ્રોડગેજ ટ્રેન

  • ધાર્મિક સ્થળોના વિકાસ સાથે પ્રજાને દર્શન કરવા જવા સરળતા હોવી જોઈએ
  • છોટાઉદેપુરથી ઉજ્જૈન સુધી ટ્રેન દોડાવવા પ્રજાની માગ

ગુજરાતના છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના ધાર સુધી બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ અગાઉના 2006ના વર્ષમાં મંજુર કરવામાં આવ્યો હતો. જેની કામગીરી હાલ ચાલી રહી છે. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના જોબટ સુધી ટ્રેન હાલ જઇ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના લોકોની માંગ ઉઠી છે કે, હવે આ રેલવે ટ્રેન ઉજ્જૈન સુધી લંબાવી દેવામાં આવે તો વિશ્વ વિખ્યાત જ્યોતિર્લિગ શ્રી મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવાનો લાભ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની પ્રજાને મળી શકે અને ભક્તો સસ્તી અને સલામત મુસાફરી કરી ભગવાન મહાકલેશ્વરના દર્શનનો લાભ લઇ શકે અને હાલમાં ધાર્મિક સ્થાનોનો વિકાસ જે થઈ રહ્યો છે. તે જગ્યાએ જઇ સમાન્યમાં સામાન્ય માનવી પણ દર્શન કરી ધન્યતા અનુભવી શકે તેવી પ્રજાની માગ ઉઠી છે.

હાલ વડોદરા પ્રતાપનગરથી છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશના અલીરાજપુર અને છેક જોબટ સુધી ટ્રેનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ટ્રેનની અવર-જવર પણ શરૂ થઈ છે. જે સંદર્ભે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ બંને રાજ્યોમાં વેપાર ધંધા-ઉદ્યોગ અર્થે પણ અવરજવર વધી છે. અને વ્યવહારો શરૂ થયા છે. મુસાફરોને આવવા જવામાં રાહત થઈ છે. પ્રજામાં બંને રાજ્યોનો વ્યવહાર શરૂ થતા આનંદની લાગણી ફેલાય છે. પરંતુ વડોદરાથી 390 કિમી અને છોટાઉદેપુરથી 300 કિમી ઉજ્જૈનનું અંતર થાય છે. જેમાં બસ સુવિધા અને ખાનગી વાહનો મારફ્તે પ્રજા દર્શન અર્થે જતી હોય છે. પરંતુ આ લાંબું અંતર દરેક માનવી અને સાધારણ વર્ગને પોસાય તેમ નથી. જેના કારણે ઘણા દિવ્ય જ્યોતિર્લિગના દર્શન કરવાથી વંચિત રહી જાય છે. જે બાબતને ધ્યાન રાખીને સરકાર દ્વારા વડોદરા પ્રતાપનગરથી ઉપડતી ટ્રેન છોટાઉદેપુર થઈને ઉજ્જૈન અથવા ઇન્દોર સુધી લંબાવી દેવા પ્રજાની માગ ઉઠી છે.

ભારત દેશને દેવભૂમિ માનવામાં આવે છે. ચમત્કારિક અલૌકિક મંદિરો અને ધાર્મિક સ્થાનો આજે પણ આપણા દેશમાં પ્રખ્યાત છે. જેને ધ્યાન રાખીને સરકાર દ્વારા દેશમાં આવેલા ધાર્મિક સ્થાનોનો વિકાસ હાથ ધરાયો છે. મોટાભાગના ધાર્મિક સ્થળોનો ભારે વિકાસ થયો છે. જે કામગીરી પ્રજામાં ખૂબ પ્રસંસનીય છે. પરંતુ ધાર્મિક સ્થાનોએ જાત્રાએ જવું હોય તો ખાનગી વાહનો તથા બસનો સહારો લેવો પડતો હોય છે. જેનો જાણીતો દાખલો છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના લોકોનો છે કે, તેઓ દૂર આવેલા ધાર્મિક સ્થળો ઉપર સરળતાથી સસ્તા ભાડામાં પહોંચી શકતા નથી. અને ધાર્મિક સ્થાનોની મુલાકાતથી વંચિત રહે છે. જે બાબતને ધ્યાન રાખીને રેલવે લાઈન લંબાવી ઇન્દોર અથવા ઉજ્જૈન સુધી કરી દેવામાં આવે તો શ્રાદ્ધાળુઓને ભારે રાહત થઈ શકે તેમ છે.

વડોદરા પ્રતાપનગરથી ઉપડતી ટ્રેન ઉજ્જૈન, ઇન્દોર સુધી લંબાવવાથી ફાયદો

છોટાઉદેપુરના સ્થાનિક રહીશ અને માજી ZRUCC (જોનલ રેલવે યુઝર્સ કેન્સલટેટીવ કમિટીના મેમ્બર) રમેશખત્રી જણાવી રહ્યા છે કે, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યને જોડતી રેલવે ટ્રેન હાલ રેગ્યુલર ચાલી રહી છે. જેનાથી બંને રાજ્યોના વ્યવહારને ભારે પોઝિટિવ અસર જોવા મળી છે. પરંતુ સરકાર દ્વારા જે ઉજ્જૈન ધાર્મિક સ્થાનનો વિકાસ કરવામાં આવ્યો છે. જેના દર્શન અર્થે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના લોકોને લાભ મળે અને સસ્તું ભાડું અને સલામત મુસાફરી કરી તેઓ જાત્રા કરી શકે તે માટે વડોદરા પ્રતાપનગરથી ઉપડતી રેલવે ટ્રેનની છેક મધ્યપ્રદેશના ઇન્દોર તથા ઉજ્જૈન સુધી લંબાવી દેવામાં આવે તો શ્રાદ્ધાળુ અને ખૂબ રાહત થઈ શકે તેમ છે તેમ જણાવ્યું હતું.

મધ્યપ્રદેશ જતી ટ્રેન વડોદરા મુખ્ય જંક્શન સુધી લંબાવવી જરૂરી

મધ્યપ્રદેશના સુધી જતી રેલવે ટ્રેન વડોદરાના પ્રતાપનગર જંકશનથી ઉપડે છે. જે ટ્રેનને વડોદરા મુખ્ય જંકશન સુધી લંબાવવી ખૂબ જરૂરી છે. અગાઉ આ ટ્રેન વડોદરા મુખ્ય જંકશનથી ઉપડતી હતી. પરંતુ કોરોનાકાળ પછી આ ટ્રેન પ્રતાપનગર જંકશનથી ઉપડે છે. અને પ્રતાપનગર જંકશન સુધી જ જતી હોય જેના કારણે વડોદરા શહેરમાં કામગીરી અર્થે જતી પ્રજાને ભારે તકલીફ્ પડી રહી છે. રીક્ષા ભાડા કરીને શહેરમાં જવું પડે છે. જે પોસાતું નથી. જ્યારે હાલના તબક્કે બીમારીઓના ઘર વધી ગયા છે. પ્રજાને આરોગ્ય અર્થે તકલીફ્ હોય તો દવાખાનાઓમાં એપોઇન્ટમેન્ટ લીધેલી હોય સાથે સાથે અન્ય જરૂરી કામગીરી શહેરમાં હોય તો મુખ્ય જંકશન સુધી ટ્રેન ન જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ટ્રેન મુખ્ય જંકશન સુધી લંબાવવામાં આવે તો સિટીની મધ્યમાંથી કોઈ પણ ખૂણે કામગીરી અર્થે પ્રજા જઈ શકે અને સરળતા રહે એવી પણ લોકમાગ ઉઠી છે.


  • Follow us on: