21 માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં ફ્તેપુરા નર્સરી ખાતે કરાઇ હતી. જેમાં નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર વી. એમ. દેસાઈ RFO એન સી રાઠવા અને જય જવાન સૈનિક ફઉન્ડેશનના પ્રમુખ ગોપાલ રાઠવા તથા સામાજિક આગેવાન વાલસીંગ રાઠવા ઉપસ્થિત વનરક્ષક, વનપાલ, રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષણ સંવર્ધન અને વૃક્ષારોપણ દ્વારા પૃથ્વીનું સમતુલન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવા સમજ અપાઇ હતી.
નાયબ વન સંરક્ષક દ્વારા આજના યુવાનોને ભારતનું ભાવી ગણી યુવા દેશ યુવા વિકાસ અને સાથે આવનારી ભાવિ પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ નું સમતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સધ્ધરતા માટે પ્રેરણા આપી હતી. જંગલમાં દવ લગાડવા, ડુંગર નવડાવવા જેવી જૂની પૂરાણી અને ખોટી માન્યતા વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને જેમાં વનવિભાગ સહિત લોકસહકાર થકી આવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ યુવાનોએ નર્સરીની મુલાકાત લઈ રોપા ઉછેર તેમજ વાવેતરની જાણકારી મેળવી હતી. અને નગરમાં પ્રજાજનોમાં જાગૃતિ લાવવા વનવિભાગ દ્વારા બાઇક રેલી યોજાઇ હતી.










