• ઈન્દોરથી ગાંધીધામ જતી ટ્રેનના ડ્રાઈવરે ટ્રેક પર બાળક પડેલું જોયું

  • ચાલુ ટ્રેને પડી જવાનો છેલ્લા ત્રણ દિવસમાં બીજો બનાવ સામે આવ્યો
  • બાળકને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી

ભુજથી સાબરમતી તરફ જતી ઈન્ટરસીટી ટ્રેનમાંથી ચાલુ ટ્રેને એક બાળક પડી ગયુ હતુ. આ બાળક પડી ગયાની માતા-પિતાને પણ જાણ ન હતી. ત્યારે ઈન્દોરથી ગાંધીધામ જતી ટ્રેનના ડ્રાઈવરે બાળકને જોતા તેને હોસ્પીટલ લઈ જવાયુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ટ્રેને પડી જવાનો છેલ્લા ત્રણ દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને ચાલુ ટ્રેને પડી જતા પિતા-પુત્રને ઈજાઓ પહોચી હતી. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ વચ્ચે ચાલુ ટ્રેને બાળક પડી ગયુ હતુ. બનાવની મળતી માહીતી મુજબ ભુજથી સાબરમતી જતી ઈન્ટરસીટી ટ્રેનમાંથી ધ્રાંગધ્રા-માલવણ વચ્ચે બાળક પડી ગયુ હતુ. જયારે આ રૂટ પરથી દોડતી ઈન્દોર-ગાંધીધામ ટ્રેનના ચાલકને બાળક ટ્રેક પર પડયુ હોવાની જાણ થતા બાળકને લઈને ધ્રાંગધ્રા સ્ટેશન માસ્તરને અપાયુ હતુ. આથી જીઆરપીના દિનેશભાઈ, આરપીએફના રામનીવાસ સહિતનાઓ દ્વારા 108 થકી બાળકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ લઈ જવાયુ હતુ. બીજી તરફ વીરમગામ રેલવે સ્ટેશન માસ્તરને આ અંગેની જાણ કરાતા બાળકના માતા-પિતા વિરમગામથી મળી આવ્યા હતા. અને તુરંત બાળકને મળવા ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ દોડી ગયા હતા. બાળકને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી છે.


  • Follow us on: