• મુક્તેશ્વર ડેમમાંથી 50 ક્યૂસેક પાણી છોડાયું

  • ચીમનાબાઈ સરોવરનું નિર્માણ 1905માં પૂર્ણ થયું હતું
  • ચીમનાબાઈ સરોવરમાં નીર ભરવા ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું

ખેરાળુ નજીકનો મુક્તેશ્વર ડેમ જળસમૃધ્ધ બનતાં જળાશયમાંથી ખેરાળુ તાલુકાના કાદરપુર નજીક આવેલું ચીમનાબાઈ સરોવર જળસમૃધ્ધ બન્યું છે. આ ઉપરાંત, ડભોડા ફીડર અને કુડા ફીડરમાંથી ચીમનાબાઈ સરોવરમાં 100 ક્યૂસેક પાણી ઉમેરાઈ રહ્યું છે. અંદાજે 1600 એકરમાં ફેલાયેલા આ ગાયકવાડી સમયના ચીમનાબાઈ સરોવરને જળસમૃધ્ધ કરવા માટે ખેરાળુ પંથકના ખેડૂતોએ આંદોલન પણ છેડયું હતું. હવે, ચીમનાબાઈ સરોવરમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતો અને પશુપાલકોમાં હાશકારાની લાગણી ફેલાઈ છે. આ જ પ્રમાણે ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતા ધરોઈ ડેમમાં પાણીની સપાટી 621 ફુટને વટાવી ગઈ છે. એક તબક્કે ઉપરવાસમાંથી આવક થતાં, સપાટી 622 ફૂટની નજીક પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે ડેમના છ દરવાજા ખોલાયા હતા.

ચીમનાબાઈ સરોવરનું નિર્માણ 1905માં પૂર્ણ થયું હતું

મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના પ્રથમ પત્ની મહારાણી ચીમનાબાઈના અવસાન બાદ તેમની સ્મૃતિમાં ખેરાળુના કાદરપુર પાસે ઈ.સ. 1898માં આ સરોવરનું ખોદકામ શરૂ કરાવ્યું હતું. તેનું નિર્માણ ઈ.સ. 1905માં પુરુ થયું હતું. 632 મિલિયન ઘનફૂટ જળસંગ્રહની ક્ષમતા ધરાવતા સરોવરમાંથી 10 ગામડાંની 900 હેક્ટર જમીનમાં એક સદી સુધી સિંચાઈનું પાણી મળતું રહ્યું હતું.


  • Follow us on: