• ડ્રેગને સતત આઠમા વર્ષે તેના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો
  • સૌથી વધુ સંરક્ષણ બજેટ ધરાવતા દેશોમાં અમેરિકા પ્રથમ, ચીન બીજા ક્રમે
  • બે વર્ષ અગાઉ ચીને તેના જીડીપીની 7.2 ટકા રકમ સૈન્ય પાછળ ખર્ચી હતી

ચીને સતત આઠમા વર્ષે તેના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. આ વર્ષે તેણે સંરક્ષણ બજેટ 7.2 ટકા વધારીને 225 અબજ ડોલર કરી દીધું છે. ચીને 2023નું સંરક્ષણ બજેટ 1.55 ટ્રિલિયન યુઆન (અંદાજે 224 અબજ ડોલર) રાખ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ચીનનું સંરક્ષણ બજેટ બમણું થઇ ગયું છે. તેનું સંરક્ષણ બજેટ ભારતથી ત્રણ ગણું વધારે છે. ભારતનું 2023-24નું સંરક્ષણ બજેટ 59.4 લાખ કરોડ રૂપિયા (અંદાજે 7.26 અબજ ડોલર) છે. ગત વર્ષે ચીને 14.5 ટ્રિલિયન યુઆન સંરક્ષણ બજેટ પાછળ ફાળવ્યા હતા.

ચીન વિશ્વનું બીજું સૌથી મોટું સૈન્ય બજેટ ધરાવતો દેશ છે. અમેરિકાનું સંરક્ષણ બજેટ વિશ્વમાં સૌથી વધુ હોય છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રારંભિક સત્રમાં ચીને તેના સૈન્યના વખાણ કરતા કહ્યું કે પૂર્વ લદાખમાં તેને કોઇ સીધા હુમલા વિના સફળતા મળી છે. ચીને દાવો કર્યો છે કે તેણે તેની સરહદો સુરક્ષિત કરી છે અને નૅવીને પણ મજબૂત કરી છે. તદુપરાંત, કોરોના મહામારી દરમિયાન પણ તેના સૈન્યએ કામ કર્યું છે. રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ જ ચીનના સૈન્યના વડા છે. પીપલ્સ લિબરેશન આર્મી કોમ્યુનિસ્ટ પાર્ટીની સૈન્ય પાંખ છે. તેમાં 20 લાખ સૈનિકો હોવાનું કહેવાય છે. ચીનના સૈન્યની સિદ્ધિઓ ગણાવતા લી કેકિઆંગે કહ્યું કે ચીનના સૈન્યએ દરિયાઇ-સરહદી સુરક્ષા, આંતરરાષ્ટ્રીય રણનીતિ માટે કામ કર્યું છે.

ચીન યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરવા મથતું રહે છે

વર્લ્ડ બેન્કના જણાવ્યા અનુસાર બે વર્ષ અગાઉ ચીને તેના જીડીપીની 7.2 ટકા રકમ સૈન્ય પાછળ ખર્ચી હતી જ્યારે અમેરિકા તેના જીડીપીના 3.5 ટકા સૈન્ય પાછળ ખર્ચે છે. ચીનમાં કોરોના મહામારી બાદથી આર્થિક સમસ્યાઓ હોવા છતાં તેણે સંરક્ષણ બજેટ વધાર્યું છે. તે તેની વિસ્તારવાદી નીતિઓના કારણે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કરવા પ્રયાસરત રહેતું હોય છે. ચીન એક તરફ ભારતની સરહદમાં ઘૂસણખોરી માટે પ્રયાસ કરે છે તો બીજી તરફ તાઇવાન પર દાવો ઠોકે છે. તાઇવાન મામલે ચીન-અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે.


  • Follow us on: