છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના ચિસાડીયા ખાતે ઓરસંગ નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનન ઉપર ગ્રામજનોએ જનતા રેડ કરીને 27 ટ્રક અને 2 મશીન ઝડપીને ખાણ ખનીજ વિભાગને સોંપી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં રેતી ઉદ્યોગ ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે. ત્યારે રેતી માફીયાઓ પણ સક્રિય બની ગયા છે. અને નદીમાંથી ગેરકાયદે ખનન કરીને સરકારી તિજોરીને કરોડો ચૂનો ચોપડી રહ્યા છે. ત્યારે ગતરાત્રે ચિસાડીયા ખાતે ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન ઉપર ગ્રામજનોએ જનતા રેડ કરી હતી. જેમાં ગ્રામજનોએ 27 ટ્રક અને 2 મશીન ઝડપી પાડયાં છે. આ ગેરકાયદે રેતી ખનન ઝડપીને ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ રાત્રી દરમિયાન ચિસાડીયા ખાતર સ્થળ પર પહોંચી 27 ટ્રક અને 2 મશીન સહિત કુલ રૂા.7.35 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ઘણા સમયથી ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું હતું. અને તેના કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. અને ગત રાત્રિ દરમિયાન ગ્રામજનોએ જનતા રેડ કરીને ખાણ ખનીજને અરીસો બતાવ્યો હતો.
જો કાયદેસરની કાર્યવાહી નહીં કરાય તો જનઆંદોલન કરાશે
ચિસડીયા ગામે 20 દિવસથી રેતીની ચોરી થાય છે. આજે ગામલોકોએ ભેગા થઈ નદીમાંથી હિટાચી મશીન 2 અને 30 ગાડી રેતી ભરેલી ગાડી ગામલોકોએ પકડી છે. અહીંયા પોલીસ ખાતું પણ હાજર છે, અને ખાણ ખનીજના અધિકારીઓ પણ ઉપસ્થિત છે. આ વિશે સરકારે પગલાં લેવા જોઈએ. જો કાયદેસરની કાર્યવાહી નહી કરે તો, અમે ગામલોકો બધા ભેગા થઈ આંદોલન કરીશું. અને કોઈપણ ગાડી રોડ પર જવા દેવાશે નહીં. અહીંયા ખાણ ખનીજ વિભાગ ધ્યાન આપતું નથી. બાકી અહીંયા ગામમાં ચોરી જ ના થાય, મધ્યપ્રદેશથી અહિયાં ગાડી આવે છે. આપણા ગુજરાતમાં આપણા આંગણેથી આ રેતી લઈ જાય છે. - છોટુભાઈ રાઠવા, સરપંચ, ચિસાડીયા
આખી રાત અમે લોકો સાથે રહી તમામ ગાડી ખૂટલિયા ખાતે મુકાવી
ચિસાડીયા ખાતેથી 27 જેટલી ટ્રકો અને 2 મશીન છે. મુદ્દામાલમાં તો એક ટ્રક નં 25 લાખ ગણો અને મશીનના 30 લાખ ગણો. આખી રાત અમે ત્યાં જ હતા. કેટલીક ગાડીઓ બિનવારસી મળી છે. ઘણાને પંકચર થઈ ગયા છે. અને બધી ગાડી ખૂટલિયા ગ્રાઉન્ડ પર સીઝ કરીને મુકાવી દીધી છે. - તનવીર સૈયદ, ભૂસ્તર શાસ્ત્રી, છોટાઉદેપુર