ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે.રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરાઈ છે.રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં 70-80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારે છોટા ઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં શાકભાજીના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
શાકમાર્કેટમાં બાંધવામાં આવેલા તંબુ ફંગોળાયા
છોટા ઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે શાકમાર્કેટમાં બાંધવામાં આવેલા તંબુઓ ફંગોળાયા છે. પવનના કારણે તંબુઓ ફંગોળાતા શાકભાજી વેચતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદથી વેપાર પર અસર થતાં વેપારીઓએ ઉચિત વ્યવસ્થા કરી આપવાની માગ કરી છે. શાકભાજી વેચવા માટે છોટાઉદેપુર શાકમાર્કેટના વેપારીઓ શહેરના તળાવ પાસે બેસીને વેપાર કરવા મજબૂર બન્યાં છે.
વરસાદ ખાબકતાં હાંડોદ જિનમાં કપાસને નુકશાન
બીજી તરફ જિલ્લાના સંખેડામાં પણ પવન સાથે વરસાદ ખાબકતાં હાંડોદ જિનમાં કપાસને નુકશાન થયું છે. કપાસના પૂમડા પાણીમાં તરતા જોવા મળ્યા છે. દૈનિક 800થી 1000 ક્વિંટલ કપાસની આવક થાય છે પણ ભારે વરસાદને કારણે કપાસમાં વ્યાપક નુકશાન થયું છે. જિનરોએ કપાસ બચાવવા પ્લાસ્ટીક ઢાંકયા પણ નીચેથી પાણી ભરાઈ ગયું હતું.









