ચોટીલા હાઈવે પરની હોટેલમાં ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો ચાલતો હોવાની શંકાના આધારે ચોટીલા ડેપ્યુટી કલેકટરે રેડ કરી બે હોટલમાંથી પાચ ટાંકા અને એક ટેન્કરમાંથી 37 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો સામે તવાઈ બોલાવાઈ રહી છે. એવામાં બે હોટેલમાંથી મોટાપાયે ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરાયો છે.ચોટીલા હાઈવેની મોલડી હાઈવે નજીક આવેલી યૂપી, બિહાર અને પંજાબી ઢાબા હોટલમાં ગેરકાયદેસર બાયોડીઝલનો કાળો કારોબાર ચાલતો હોવાની શંકાના આધારે ડેપ્યુટી કલેકટર મકવાણાએ રેડ કરી હતી. રેડ દરમિયાન સિમેન્ટના ટાંકા બનાવી ડીઝલ ભરેલું હતું અને એક ટેન્કર પણ ઝડપી લીધું હતું. ડેપ્યુટી કલેકટરે સ્ટાફ સાથે રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી રેડની કાર્યવાહી કરી ગેરકાયદેસર ડીઝલ ભરેલા ટાંકા જેસીબી દ્વારા તોડી પડાયા હતા. તપાસ બાદ બન્ને હોટલમાંથી 37,700 લીટર બાયોડીઝલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતની આગળની કાર્યવાહી ચોટીલા ડેપ્યુટી કલેકટરની ટીમે હાથ ધરી છે. ડેપ્યુટી કલેકટરે બાયોડીઝલના કાળા કારોબાર ઉપર તવાઈ બોલાવવાનું શરુ કરતા આવા તત્વોમાં હાલમાં દોડધામ મચી ગઈ છે.










