• સાત વાર ક્લોઝર રિપોર્ટમાં ભૂમિકા બદલ કચ્છ પોલીસના પૂર્વ અધિકારીઓ ફસાયા

  • ગુનો નોંધાયા છતાં શૈલેષ ભંડારી સહિતના કેટલાક આરોપીઓ બિન્ધાસ્ત ફરે છે
  • પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓએ ઠાગાઠૈર્યા કર્યા બાદ ફરિયાદીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા

ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી, અનુરાગ ભંડારી આણી મંડળીએ કરેલા અપહરણનો ભોગ બનનારે આક્ષેપ કર્યો છે કે, પોલીસ અધિકારીઓના નામ ના લખવા માટે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ એક મહિના સુધી ફરિયાદીને ટલ્લે ચડાવી આખરે ગુનો નોંધ્યો હતો. બનાવની વિગત મુજબ 2015ની સાલમાં પ્રેમ સિંધીનું અપહરણ કરાવી એક કરોડથી વધુની મત્તાની રકમની રોક્ડ, દાગીના, ફલેટ સહિતનો મુદ્દામાલ બળબજરીથી લૂંટી લઈ ગુના આચર્યાની ફરિયાદ નોંધવામાં પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓએ ઠાગાઠૈર્યા કર્યા બાદ ફરિયાદીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ પીએસઆઈએ ભોગ બનનારની પત્નીના લમણે બંદૂક તાકી જાનથી મારવાની ધમકી આપી સહી કરાવી કલોઝર રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ કલોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી પોલીસે ગુનો બન્યો ન હોવાની વાત કરી હતી. આ રીતે સાતવાર કલોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં રોલ ભજવનાર તત્કાલીન બે એસપી, ત્રણ ડીવાયએસપી અને પીએસઆઈ આરોપી બન્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગુનો દાખલ થયા બાદ પણ શૈલેષ ભંડારી સહિતના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા તેઓને પકડવા માટે કોઈ કાર્યવાહી થઈ નથી.

ઈલેક્ટ્રોથર્મમાંથી રાજીનામું આપી નોકરી છોડી દેવાની વાત કરતા પ્રેમ સિંધીનું કંપનીના માલિક શૈલેષ ભંડારીએ અપહરણ કરાવ્યા બાદ નિવસ્ત્ર કરી સાંકળોથી બાંધીને મારમાર્યો તેમજ પાંચ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. સિક્યુરિટી ગાર્ડની મદદથી આરોપીઓના કબજામાંથી ભાગેલા પ્રેમ સિંધી 2015માં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો ત્યારે પીએસઆઈ ચૌહાણે બે દિવસ બાદ આવવા જણાવ્યું હતું. બીજી તરફ પ્રેમ સિંધીએ કંપનીમાં ગોટાળા કર્યાની તેની પર ખોટી ફરિયાદ કરવામાં આવ્યાનું અરજદારે ફરિયાદમાં જણાવ્યું છે. આમ, સમગ્ર મામલે ગુનાનો ભોગ બનેલા વ્યક્તિની ફરિયાદ નોંધવાની જગ્યાએ શૈલેષ ભંડારીની તરફેણ પોલીસે કરી હતી. આખરે ફરિયાદીએ હાઈકોર્ટ ન્યાય માટે અરજ કરતા કોર્ટે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જો કે, પીએસઆઈ ચૌહાણે આ કેસમાં ગુનો દાખલ કરવાની જગ્યાએ પ્રેમ સિંધીની પત્નીના બંદૂક તાકીને ધમકીઓ આપી સહીઓ કરાવી કલોઝર રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ બાબતે ફરિયાદીએ અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી પણ કોઈએ તેની રજૂઆત સાંભળી ન હતી. આ મામલે સાત વાર પોલીસ અધિકારીઓએ કોર્ટમાં કલોઝર રિપોર્ટ તૈયાર કરી રજૂ કર્યાનું બહાર આવ્યું છે. આ કલોઝર રિપોર્ટ તૈયાર કરનાર અધિકારીઓ આજે આ કેસમાં આરોપી બની ગયા છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાંથી આ મામલે આરોપી પક્ષના વ્યક્તિઓ સ્ટે ઓર્ડર લાવતા મામલો ગુંચવાયો હતો. આ દરમિયાનમાં સુપ્રીમ કોર્ટએ ગત તા.16-1-2024ના રોજ હાઈકોર્ટના હુકમને માન્ય રાખીને આ કેસમાં ગુનો દાખલ કરવા માટે સૂચના આપતા ગુજરાત પોલીસ અટવાઈ હતી. ફરિયાદીએ પોલીસ અધિકારીઓના નામ આરોપી તરીકે બતાવતા સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ પોલીસ અધિકારીઓના નામ ના લખવા એક મહિના સુધી ફરિયાદ ટલ્લે ચડાવ્યાનું ખુદ પ્રેમ સિંધીએ જણાવ્યું હતું.


  • Follow us on: