• નવાગઢ રેલવે સ્ટેશન પર વાછરડાનું કર્યું મારણ
  • વાછરડા નજીકથી પંજાના નિશાન મળી આવ્યા
  • ફોરેસ્ટ વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરાઇ

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના પંજાના નિશાન મળી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ. નવાગઢ રેલવે સ્ટેશન નજીકથી એક વાછરડાનું મારણ મળી આવ્યુ છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે એક નહીં બે દીપડા છે.

દીપડાએ વાછરડાનું મારણ કર્યુ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાએ આતંક મચાવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ ગ્રામ્ય વિસ્તારના જેતપુરના રહેણાંક વિસ્તારના નવાગઢ રેલવે સ્ટેશન પાસે વાછરાડનું મારણ મળી આવ્યું હતું. નવાગઢ રેલવે સ્ટેશન પર વાછરડાનું મારણ થયેલ હતું. આ વાછરડાના મારણ પાસેથી પંજાના નિશાન મળી આવ્યા છે જેને જોતાં પ્રાથમિક દ્રષ્ટિએ ખેડૂતોનું કહેવું છે કે આ પંજાના નિશાન દીપડાના છે, પંજાના નિશાન પરથી દીપડો હોવાના પ્રાથમિક અનુમાનને પગલે ફોરેસ્ટ વિભાગને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

સ્થાનિકોની માંગ વન વિભાગ તપાસ કરે

ઘટના સ્થળેથી નજીકમાં જ શાળા આવેલી છે. જેને લઈને વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલાવામાં ડર લાગે છે. રાજકોટ શહેર બાદ હવે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફોરેસ્ટ વિભાગ આ સમગ્ર મામલે તપાસ કરે તેવી સ્થાનિકોની માંગ છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, આસપાસના વિસ્તારમાં એક નહીં પણ બે દીપડા આંટાફેરા કરે છે. નવાગઢ રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલું વાછરડાનું મારણ દીપડાએ કર્યું છે કે અન્ય કોઈ પ્રાણીએ.! જે અંગેની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવશે ત્યાર બાદ જ દીપડા અંગે ખબર પડશે.

શા માટે વન્યજીવો શહેરોમાં આવે છે?

માનવી પ્રગતિ કરતો ગયો તેમ તેમ જંગલો તરફ પ્રયાણ કરતો ગયો અને તેને લીધે જંગલ વિસ્તાર ઘટતો ગયો. આજે વિકાસની હરણફાળ એ ગતિ એ થઈ છે કે, માનવી પોતાના રહેણાંક વિસ્તારથી લઈને છેક જંગલો સુધી પહોંચી ગયો છે. જેમ જેમ મનુષ્ય પ્રગતિ કરતો ગયો તેમ તેમ જંગલો ઘટતાં ગયા. જેને પરિણામે આજે વન્યજીવોને રહેવા, ખાવા અને હરવા-ફરવા માટેનો વિસ્તાર ઘટતો ગયો. તેથી જ આજે છાશવારે એવાં સમાચાર સાંભળવા મળી રહ્યાં છે કે, દીપડો શહેરમાં દેખાયો, દીપડાએ બાળકી પર હુમલો કર્યો, દીપડાએ વાછરડાનું મારણ કર્યું જેવા સમાચારો આવતાં જ રહે છે.

  • Follow us on: