સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે વધુ એક ક્લાસ વન અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરાયા છે,જેમાં સરદાર સરોવર નિગમના મુખ્ય ઈજનેરને નિવૃત્ત કરાયા છે,અધિકારી બી.એ.પટેલને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે,તો આ અધિકારીને લઈ એસીબીની ટીમ આગામી સમયમાં મિલકતોને લઈ તપાસ પણ કરી શકે છે,ભૂપેન્દ્ર પટેલની સરકારે અગાઉ પણ ઘણા અધિકારીઓને ફરજિયાત નિવૃત કર્યા છે.
ઇન્ચાર્જ નાયબ હિસાબનીશ રાજેશભાઇ હરકીશનભાઇ દેવમુરારી વિરુદ્ધ એસીબીએ કરી તપાસ
આરોપી રાજેશભાઇ હરકીશનભાઇ દેવમુરારી ઉ.વ.૬૧ તત્કાલીન સિનીયર કલાર્ક (ઇન્ચાર્જ નાયબ હિશાબનીશ) વર્ગ-૩, કાર્યપાલક ઇજનેરની કચેરી, સૌ.શા.ન.વિ.નં.૨/૧, ધ્રાંગધ્રાનાઓની અપ્રમાણસરની મિલકતની તપાસનાં ચેક પીરીયડ તા.૦૧.૦૪.૨૦૧૨ થી તા.૩૧.૦૮.૨૦૧૯ નાં સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહીતી તથા તેમનાં નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.નાં નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યા બાદ આરોપીનાઓએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાનાં જાહેર સેવક તરીકેનાં હોદાનો દૂરુપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાનો ઉપયોગ કરી પોતાનાં નામે મિલકતોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયેલ છે.
અધિકારી વિરુદ્ધ 65 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત
આરોપી વિરૂધ્ધ રૂ૩૬,૩૯,૬૨૪/- (અંકે છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર છસો ચોવીસ રૂપિયા પુરા)નું એટલે કે, ૬૫.૩૩% વધુ અપ્રમાણસર મિલકતો એટલે કે, આવક કરતા વધુ સંપતિ વસાવેલ હોય જે બાબતેની અરજી તપાસ શ્રી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામકએ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટનાઓનાં માર્ગદર્શન મુજબ કરી, તપાસ કરનાર અધિકારી એમ.ડી.પટેલ, પોલીસ ઈન્સ્પેક્ટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગરનાઓએ સરકાર તરફે ફરીયાદી બની સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે. ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ- સને-૧૯૮૮ની કલમ-૧૩(૧)ઇ, ૧૩(૨) તથા ભ્ર.નિ.અધિ.સને-૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ-૧૩(૧) બી, ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરાવેલ છે. જે ગુન્હાની આગળની તપાસ જે.એમ.આલ, પોલીસ ઇન્સ. એ.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યનાઓને સોંપવામાં આવેલ છે.
સામાન્ય નાગરિક પણ અધિકારી લાંચ માગતા હોય તો એસીબીનો સંપર્ક કરી શકશે
કોઈ સરકારી અધિકારી / કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલક્તો (જેવી કે ખેતીની જમીન, પ્લોટ મકાન, ઓફિસ, દુકાન, વાહન, બેન્ક લોકર, બેન્ક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલક્તો વસાવવામાં આવેલ છે તેવા ઈસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની જાણ એ.સી.બી. ના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ વ્હોટસએપ નં.૯૦૯૯૯૯ ૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ સંપર્ક કરવા અથવા CD અથવા પેન ડ્રાઇવમાં માહીતી મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.









