• દસાડાના જગદીશણ ગામે આગમ-9 નામે સ્કીમ મૂકી બેંકમાંથી રૂ.5.79 કરોડની લોન લીધી હતી

  • બિલ્ડરો સામે છેતરપીંડીની ફરિયાદ દસાડા પોલીસ મથકે નોંધાઈ છે
  • શૈલેષભાઈના નામે કરવા જગદીશણ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી

ધ્રાંગધ્રામાં રહેતા પરીવારે દસાડા તાલુકાના જગદીશણ ગામે અમદાવાદના 2 બિલ્ડો દ્વારા બહાર પડાયેલ આગમ-9ની સ્કીમમાં મકાન લીધુ હતુ. વર્ષ 2019માં મકાનનો દસ્તાવેજ થઈ ગયા બાદ નામે કરાવવા જતા એનઓસીની જરૂર પડી હતી. ત્યારે આ મિલકત બેંકના તારણમાં હોવાની તથા બિલ્ડરોએ બેંકમાંથી રૂપીયા ૫.79 કરોડની લોન લીધી હોવાનું બહાર આવતા બન્ને બિલ્ડરો સામે છેતરપીંડીની ફરિયાદ દસાડા પોલીસ મથકે નોંધાઈ છે.

ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં રહેતા 30 વર્ષીય શૈલેષ બીપીનચંદ્ર પરમાર હાલ એમ.એ.માં અભ્યાસ કરે છે. તેમના પિતા બીપીનચંદ્રનું તા. 15-2-23ના રોજ અવસાન થયુ હતું. તેમના પિતાએ દસાડા તાલુકાના જગદીશણ ગામે આગમ-9 નામની સ્કીમમાં રૂપીયા 10,50,000નું મકાન ખરીદ્યુ હતુ. આ મકાનનો તા. 13-5-2019ના રોજનો પિતાના નામનો દસ્તાવેજ પણ હતો. ત્યારે બીપીનચંદ્રએ આ મકાન શૈલેષભાઈના નામે કરવા જગદીશણ ગ્રામ પંચાયતમાં અરજી કરી હતી.

જેમાં એનઓસીની જરૂર પડી હતી. આથી તેઓએ બિલ્ડર અમદાવાદના સેટેલાઈટમાં રહેતા શાલીન અભયભાઈ શાહ અને ઘોડાસરમાં રહેતા હીરા કાંતીભાઈ પ્રજાપતી પાસે એનઓસી માંગ્યુ હતુ. પરંતુ આજ દિન સુધી તેઓને એનઓસી મળ્યુ ન હતુ. જયારે તાજેતરમાં રાજકોટ નાગરીક સહકારી બેંકની એક જાહેરાતમાં બન્ને બિલ્ડરોને ડીફોલ્ટર જાહેર કરાયા હતા. અને તેઓએ બેંકમાંથી રૂપીયા 5.79 કરોડની લોન લીધી હોવાનું સામે આવ્યુ હતુ.

આ દરમિયાન આ જ રીતે એનઓસી વગર અન્ય મકાનોના પણ દસ્તાવેજ થયા હોવાનું પણ બહાર આવ્યુ હતુ. આથી શૈલેષભાઈએ અમદાવાદના બિલ્ડર શાલીન અભયભાઈ શાહ અને હીરા કાંતીભાઈ પ્રજાપતી સામે દસાડા પોલીસ મથકે મિલકત તારણમાં હોવા છતાં દસ્તાવેજ કરી આપી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ દસાડા પીએસઆઈ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યા છે.


  • Follow us on: