- રંજનબેનને રડાવીયા - ધાનાણી
- રુપાણીને રમતા મુક્યા- ધનાણી
- અને મેહાણી કાકાનો તો, કાંટો જ કાઢી નાખ્યો - ધાનાણી
રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભાજપમાં આંતરિક અસંતોષની વાતો સામે આવી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા દ્વારા ભાજપના નેતાઓના નામને લઈ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જેના સાથે જ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ફરી એકવાર ભાજપ નેતાઓના નામ લઈને પોસ્ટ કર્યું છે.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વિટર પર લખ્યું કે, "હા પાડીને, હેઠા બેસાડયા" ‘ભીખુસીંહને ભોઠા પાડ્યા’,રંજનબેનને રડાવીયા ,નારણભાઈની નાડ ઢીલી, ધડૂકના ઢોલ પીટી નાખ્યા , રુપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા, કેસી બની ગયા દેશી અને મેહાણી કાકાનો તો, કાંટો જ કાઢી નાખ્યો. જે સાથે જ ધાનાણી દ્વારા ફરી એકવાર ભાજપ પર ટ્વિટ કર્યું છે.
આ અગાઉ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી પણ પોતાની સટાયર કવિતાઓ સાથે મેદાનમાં આવ્યાં છે. ભાજપની વર્તમાન સ્થિતિ અંગે પરેશ ધાનાણીએ ટ્વિટર પર લખ્યું હતું કે, “હાલ “કમલમ”માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કુ.!”
નોંધનીય છેકે, ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલવા પડ્યા, જો કે નવા ઉમેદવાર સામે પણ વિરોધ શરૂ થયો છે. જ્યાં પોરબંદરમાં માંડવિયા વિરુદ્ધ પોસ્ટરવોર જામ્યું છે. તેમજ મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં વિરોધ વંટોળ યથાવત્ છે. તો રાજકોટમાં વિવાદિત નિવેદન આપનાર પરષોત્તમ રૂપાલાનો પણ વિરોધ થઈ રહ્યો છે.









