- ભાજપના રાજમાં બહેન-દીકરીઓ સુરક્ષિત નથી
- ભાજપમાં ગેનીબેન, ગુલાબસિંહ અને મેવાણીને ખરીદવાની તાકાત નથી
- ક્યાં સુધી ભાજપ સમાજ-સમાજને અંદરો અંદર લડાવશે?
બનાસકાંઠા જિલ્લાના વાવમાં કોંગ્રેસ દ્વારા ‘જનવેદના સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જંગી જનમેદનીને સંબોધવા દરમિયાન અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. ભાજપ પર આકરા પ્રહાર કરવા જતાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને બેફામ વાણી વિલાસ કર્યો હતો.
જનવેદના સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, ભાજપ સરકાર યુવાનોને બરબાદ કરવાના કાવતરા ઘડી રહી છે. ક્યાં સુધી સરકાર સમાજ-સમાજને અંદરો અંદર લડાવશે? ઢીમામાં ચૂંટણી જીતવા કન્ટેનર ભરીને દારૂ ઠલવવામાં આવે છે. આમ ક્યાં સુધી ભાજપ યુવાનોને બરબાદ કરવા ધંધા કરશે? અમારા રાજકીય સ્વાર્થ માટે ક્યાંક અમને 2-5 વોટનું નુક્સાન થતું હોય તો થવા દેજો, પરંતુ ભાઈ-ભાઈ વચ્ચે ભેદ ઉભો ના કરશો.
મહિલાઓની સુરક્ષા મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લેતા ગેનીબેને જણાવ્યું કે, ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય, જેમાં બહેન દીકરીઓ પર બળાત્કાર ના થયો હોય. આ સાથે જ કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાન ભૂલ્યા હતા અને કહ્યું હતું કે, ***ઓ તમારા રાજમાં આ રાજ્યમાં બહેન-દીકરીઓ સુરક્ષિત નથી.
જુઓ VIDEO:
ચોર કોટવાલને દંડે, તેવી ભાજપની વાત છે. તમે પોલીસને આગળના કરશો. તમારી તાકાત હોય તો તમે પોતે જ ફરિયાદી બનો અને ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ કે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કેસ કરો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ બનાસકાંઠાથી કોંગ્રેસના ધારાસભ્યોએ પદ્માવતી ફિલ્મના વિરોધ સમયે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ, ઉનાકાંડ સમયે દલિતો પર થયેલા કેસ તેમજ આંદોલન સમયે અન્ય સમાજના યુવાનો સામે થયેલા કેસો પરત ખેંચવાની માંગણી કરી હતી.
