• રૂ. 89,050 વ્યાજ સહિત 30 દિવસમાં ચૂકવવા હુકમ કરાયો

  • કોર્ટે રૂપીયા 89,050 ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે
  • પુરાવાના આધારે કોર્ટે વીમા કંપનીને કસુરવાર ઠેરવી હતી

સુરેન્દ્રનગરમાં રહેતા વેપારીએ પરીવારની સંયુકત વીમા પોલીસી લીધી હતી. જેમાં પત્નીની ઢીંચણની સારવાર કરાવ્યા બાદ થયેલ ખર્ચ રૂપીયા 2,52,230 મેળવવા વીમા કંપનીમાં કલેઈમ કરાયો હતો. જેમાં વીમા કંપનીએ 1,49,675 જ ચૂકવતા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરાયો હતો. જેમાં કોર્ટે રૂપીયા 89,050 ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

સુરેન્દ્રનગરની અરજીતનાથ સોસાયટીમાં રહેતા વેપારી કેતન ચંદુલાલ દોશીએ યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડમાંથી પરીવારની સંયુકત વીમા પોલીસી લીધી હતી. આ પોલીસીની મુદત તા. 9-9-2021થી 8-9-2022 સુધીની હતી. જેમાં તેમના પત્ની સોનલબેનને ઢીંચણની તકલીફ થતા અમદાવાદની રેસ્ટોની હોસ્પીટલમાં તા. 7-3-22થી 11-3-22 સુધી સારવાર લીધી હતી. અને સારવારનો થયેલ ખર્ચ રૂ. 2,52,230 મેળવવા માટે વીમા કંપનીમાં કલેઈમ કરાયો હતો. જેમાં વીમા કંપનીએ રૂ. 1,49,675 જ મંજુર કર્યા હતા. ત્યારે બાકીની રકમ રૂ.1,02,255 મેળવવા માટે કેતનભાઈએ વકીલ અંકીત જે. કોઠારી દ્વારા કેસ દાખલ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા ફરીયાદીના વકીલની દલીલો, 1 મૌખીક અને 22 દસ્તાવેજ પુરાવાના આધારે કોર્ટે વીમા કંપનીને કસુરવાર ઠેરવી હતી. અને ગ્રાહક સુરક્ષા કોર્ટ, સુરેન્દ્રનગરના પ્રેસીડેન્ટ જજ એ.પી.કંસારા, સભ્ય એ.સી.પંડયા, એસ.જી.વાઘેલાએ વીમા કંપનીને રૂ.89,050 કેતનભાઈને 30 દિવસમાં કેસ દાખલ થયા તારીખથી 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત ફરીયાદીને થયેલા માનસીક ત્રાસના રૂ. 2 હજાર અને ફરીયાદ ખર્ચના રૂ. 1 હજાર ચુકવવા હુકમમાં જણાવાયુ છે.


  • Follow us on: