રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપાની ટિપ્પણીને લઈને વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જલારામ બાપા પર કરેલ ટીપ્પણીની લઈને વીરપુરમાં બે દિવસ બંધના એલાન બાદ રઘુવંશી સમાજના લોકો પણ રોષે ભરાયા. રઘુવંશી સમાજના યુવાનોએ જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું બાળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. યુવાનોના ઉગ્ર પ્રદર્શનને પગલે પોલીસ બનાવ સ્થળ પર પંહોચી ગઈ અને વિરોધ કરતાં તમામ યુવાનોની અટકાયત કરી. રઘુવંશી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરાતાં વડતાલ ગાદી હેઠળના ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.
સ્વામીઓના બફાટથી સંપ્રદાય નિશાના પર
સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલો રહે છે. સ્વામીઓ દ્વારા કરાતા બફાટના કારણે હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાય લોકોના નિશાન પર આવે છે. સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અને વીરપુરમાં ચાલતા અન્નક્ષેત્રને લઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા મામલો ગરમાયો હતો. જલારામ ભક્તોએ સ્વામીને આડેહાથે લેતા વીરપુરમાં જલારામ મંદિર ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કરી વિરોધ દર્શાવતા સ્વામી રૂબરૂમાં આવી માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. જલારામ બાપાને લઈને સ્વામીએ કરેલ નિવેદનનો છેદ ઉડાડતા વીરપુરના આગેવાનો મૂળ પુસ્તકો સાથે સામે આવ્યા હતા. આ પુસ્તક 1947માં જલારામના ભક્ત સૌભાગ્ય ચંદ મંગળજી રાજદેવે લખ્યું હતું. આ પુસ્તક મુજબ જલારામ બાપાએ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી સદા વ્રત શરૂ કર્યુ છે. વીરપુરવાસીઓના ઉગ્ર વિરોધ બાદ સ્વામીએ માફી માગી હતી. આ વિવાદને પગલે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાનાં ફોલોઅર્સ વધારવા આવો બફાટ કર્યો હતો.
રઘુવંશી સમાજનો વિરોધ
શહેરમાં રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ મામલે રઘુવંશી સમાજના આગેવાને જણાવ્યું કે વીરપુરના ગાદીપતિ તરફથી આ મામલે જે નિર્ણય લેવામા આવશે તેને અમે માન્ય રાખીશું. સમગ્ર મામલે વીરપુરના ગાદીપતિના નિર્દેશ બાદ આગળ કાર્યવાહી કરાશે. જ્ઞાનપ્રકાશ સામીના વિવાદિત નિવેદનને લઈને ભક્ત જલારામ ભક્તો જ નહિં પરંતુ પાટીદાર અગ્રણીમાં પણ રોષ જોવા મળ્યો. પરસોતમ પીપળીયાએ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને વખોડતા સોશિયલ મીડિયામાં પોસ્ટ લખ્યું કે ‘એક એક લાડુળીનાં પૈસા ઉઘરાવતો સંપ્રદાય સદાવ્રતનું મૂલ્ય કેમ જાણે?’ આગામી સમયમાં જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણીનો વિવાદ વધુ વકરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
શું છે મૂળ મામલો
સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ પોતાના અધુરા જ્ઞાનના દર્શન કરાવતા કહ્યુ કે વીરપુરમાં ચાલતુ સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા. ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે. જો કે, બાદમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી હતી. પરંતુ તેમના નિવેદનથી થયેલો વિવાદ શાંત નથી પડ્યો.