• દસ દિવસ પહેલાં 23 એક્ટિવ કેસ હતા, હવે વધીને 79

  • રવિવારે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 24 કેસ
  • ગુજરાતમાં અત્યારે સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે, દસેક દિવસ પહેલાં ગુજરાતમાં માંડ 23 કેસ એક્ટિવ હતા, જોકે રવિવારે છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં નવા 24 કેસ નોંધાયા છે, આમાં મોટા ભાગના કેસ તો અમદાવાદ શહેરમાં છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં 11 દર્દી સાજા થતાં કોવિડ મુક્ત થયા છે. સરકારી દાવા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. ગુજરાતમાં અત્યારે સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં છે. કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના અત્યાર સુધી 40થી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. અલબત્ત, મોટા ભાગના કોરોના પોઝિટિવ કેસ માઈલ્ડ પ્રકારના હોવાથી દર્દીઓ હોમ આઈસોલેટ રહીને સારવાર મેળવી રહ્યા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કોવિડના દાખલ દર્દીઓની સંખ્યા નહિવત્ છે. તબીબોના કહેવા પ્રમાણે ડાયાબિટિસ, બ્લડ પ્રેશર સહિતની બીમારી વાળા, કો-મોર્બિડિટી ધરાવતા દર્દીએ હાલમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલાં જ અમદાવાદમાં એક વૃદ્ધ દર્દીનું કોરોનામાં મોત થયું હતું.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 21 કેસ

શહેરમાં છેલ્લા 24 કલાકમાં 21 કેસ નોંધાયા છે. આ સાથે કુલ એક્ટિવ કેસ 60 થયા છે. જેમાંથી 70 ટકા કેસ પિૃમના છે. રવિવારે રજાના દિવસે AMC દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર પર કોરોનાના 500 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 15 પુરુષ અને 6 મહિલા મળી કુલ 21 પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. નોંધાયેલા કેસમાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણિનગર, ભાઇપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ અને ઇસનપુર વોર્ડનો સમાવેશ થાય છે. 21માંથી 8 દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રીમાં મુંબઈ, કચ્છ, કેનેડા, કેરેલા, યુએસએ અને ગોથવામાં એક-એક અને વડોદરાના બે દર્દી છે. ટેસ્ટિંગ દરમિયાન કોવિડ હોવાનું બહાર આવ્યું હતું. કુલ એક્ટિવ 60માંથી 59 હોમ આઇસોલેશન છે. એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.


  • Follow us on: