• ભારતને ઘર આંગણે રમવાનો લાભ મળે તેવી બુકીઓની ગણતરી

  • સટ્ટા બજારમાં અબજો રૂપિયાનો સટ્ટો ખેલાશે
  • બીજા સ્થાને ઇગ્લેન્ડનો ભાવ 3.80 રૂપિયા : પાકિસ્તાનનો ભાવ 8.60 રૂપિયા

ભારતમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે. એક તરફ વર્લ્ડ કપ માટેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે બીજીતરફ વર્લ્ડ કપના પગલે સટ્ટાબજાર પણ સક્રિય બન્યુ છે.આ વર્લ્ડ કપમાં ચેમ્પિયન કોણ બનશે તેની ચાલતી અટકળો વચ્ચે સટ્ટાબજારમાં તેના ભાવ પણ ખુલી ગયા છે. સટ્ટાબજારના મતે વર્લ્ડ કપના વિજેતા માટે ભારત ફેવરિટ છે. તેનો સૌથી ઓછો 2.10 રૂપિયા ભાવ ખુલ્યો છે. જ્યારે ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનનો ભાવ 8.60 રૂપિયા ખુલ્યો છે. ઉલ્લેખનીય છેકે, સટ્ટાબજારમાં જે ટીમના ભાવ નીચા તેના જીતવાના ચાન્સીસ વધુ હોય છે.જ્યારે ગત વર્લ્ડ કપ ચેમ્પિયન ઇગ્લેન્ડની ટીમ ભારત બાદ બીજા સ્થાને છે.

આજના ઇન્ટરનેગ યુગમાં ક્રિકેટ સટ્ટો પણ હાઇટેક બન્યો છે. અગાઉ સટ્ટો રમવા માટે બુકીઓને ફોન કરીને દાવ લગાવાતો હતો. પરંતુ હવે ક્રિકેટ સટ્ટો રમાડતી અનેક વેબસાઇટ અસ્તિત્વમાં આવી છે. જેના આઇડી મેળવીને ઘરબેઠા મોબાઇલ અને કોમ્પ્યુટર, લેપટોપ મારફત સટ્ટો રમી શકાય છે. ભારતમાં ક્રિકેટનો એક અલગ જ ચાર્મ છે. ખેલાડીઓ ભગવાનની માફક પુજાય છે. સાથેસાથે મોબાઇલ જેવા ઉપકરણોમાં જે તે બેટીંગ એપ ડાઉનલોડ કરી તેની આઇડી મેળવીને આસાનીથી સટ્ટો રમી શકાતો હોય સટ્ટાનું પ્રમાણ પણ વધ્યુ છે. જેનો લાભ ઓપરેટરો ઉઠાવી રહ્યા છે. વર્લ્ડ કપ શરૂ થવાને ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ઇગ્લેન્ડ, દુબઇથી સટ્ટો રમાડતા ઓપરેટરો પણ સક્રિય બન્યા છે. વર્લ્ડ કપમાં કઇ ટીમ વિજેતા બનશે તેનું પ્રિડિક્શન પણ કરી દેવામાં આવ્યુ છે અને તેના ભાવ પણ ખોલવામાં આવ્યા છે. સટ્ટાબજારના મતે આ વર્લ્ડ કપમાં ભારતની ટીમ ચેમ્પિયન બનશે. ભારતનો ભાવ 2.10 રૂપિયા ખુલ્યો છે. એટલેકે, જે લોકો ભારત જીતે એમ કહીને 100 રૂપિયા દાવ લગાવે અને ભારતની ટીમ વિજેતા બને તો તેને 210 રૂપિયા મળે. સેકન્ડ નંબરે ગત વિશ્વવિજેતા ઇગ્લેન્ડની ટીમને મુકવામાં આવી છે. ઇગ્લેન્ડનો ભાવ 3.80 રૂપિયા ખુલ્યો છે. જ્યારે ઓષ્ટ્રેલિયા ત્રીજા અને પાકિસ્તાનને ચોથા નંબરે મુકવામાં આવ્યુ છે. પાકિસ્તાનનો ભાવ 8.60 રૂપિયા ખુલ્યો છે. એટલેકે, કોઇ વ્યક્તિ પાકિસ્તાન વિશ્વ વિજેતા બને તેવુ કહી 100 રૂપિયા લગાવે અને પાકિસ્તાન વિજેતા બને તો તેને 100 રૂપિયાની સામે 860 રૂપિયા મળે. જયારે ગત વર્લ્ડ કપની રનર્સ અપ ટીમ ન્યુઝીલેન્ડનો ભાવ 11 રૂપિયા છે. ન્યુઝીલેન્ડની ટીમની આ ટુર્નામેન્ટમાં ડાર્કહોર્સ તરીકે ગણના થઇ રહી છે. કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ઇગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સાથે જ વિદેશ બેઠેલા ઓપરેટરોએ સમગ્ર દેશમાં ગોઠવેલા પોતાના બુકીઓને પણ સાબદા કરી દીધા છે. અત્યારથી જ સટ્ટાના દાવ ખેલાઇ રહ્યા છે. કરોડો રૂપિયાનો સટ્ટો લાગી ચુક્યો છે. ઉલ્લેખનીય છેકે, ક્રિકેટ હોય કે ચૂંટણી સટ્ટાબજારનું ગણિત હંમેશા પરિણામથી નજીક રહ્યુ છે. બુકી બજારના મતે ભારતની સ્ટ્રોંગ બેટિંગ અને બોલીંગ લાઇનઅપની સાથેસાથે તેને ઘરઆંગણાની પીચનો પણ લાભ મળશે. જે વિશ્વવિજેતા માટેની કેડી કંડારશે. જોકે, જેમજેમ વર્લ્ડ કપની મેચો રમાતી જશે તેમતેમ ભાવમાં ઉલટફેર થવાની શક્યતાઓ પણ રહેલી છે. ઉલ્લેખનીય છેકે, સટ્ટાનું નેટવર્ક ઇગ્લેન્ડથી વાયા દુબઇ ગોઠવાયેલુ છે. દુબઇ બેઠેલા ઓપરેટરો ભારતમાં બીછાવેલા સટ્ટા નેટવર્ક મારફત કરોડો અબજો રૂપિયાનો સટ્ટો રમાડે છે. તાજેતરમાં જ ગાંધીનગરમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટાની લીંક દુબઇથી ઓપરેટ થતા મહાદેવ બુક સુધી નીકળી હતી. ક્રિકેટ વર્લ્ડ કપની સાથેસાથે જ ગાંધીનગરના બુકીઓ અને પંટરો પણ સક્રિય બની ગયા છે.

બેઇમાનીના ધંધામાં પણ ઇમાનદારી : દર સોમવારે હારજીતની રકમની લેવડદેવડ

ભારતમાં સટ્ટો રમવા પર પ્રતિબંધ છે. જોકે, આ બેઇમાનીના ધંધામાં ઇમાનદારી ભારોભાર છલકતી જોવા મળે છે. સટ્ટો રમાડતા બુકીઓ ભાગ્યે જ ડિફોલ્ટ થયાનું બહાર આવ્યુ છે. કોઇપણ પ્રકારના લખાણ કે પુરાવા વગર કરોડો અરબો રૂપિયાની લેણદેણ થતી હોય છે. પરંતુ કોઇ સટોડિયાને જીતેલા પૈસા પરત મળ્યા ન હોય તેવો ભાગ્યે જ કોઇ દાખલો સટ્ટાબજારમાં જોવા મળે છે. સટ્ટાબજારનો સમગ્ર ધંધો વિશ્વાસ પર ચાલે છે. રોકડા આપો અને રોકડા લઇ જાવોની થિયરી પર પૈસાની લેવડ દેવડ થાય છે. જોકે, અત્યારે ક્રિકેટ સટ્ટો રમાડતી કેટલીક એપ્લિકેશન દ્વારા ઓનલાઇન આઇડી પણ આપવામાં આવે છે. જેનું પેમેન્ટ આઇડી લેનારે ઓનલાઇન આપવાનું રહે છે. આ સિવાય મોટાભાગની લેવડ દેવડ રોકડમાં થાય છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દર સોમવારે વલણ સુલટાવવામાં આવે છે. એટલેકે, હારજીતની લેવડ દેવડ થાય છે.


  • Follow us on: