કુરીયર કંપનીમાં નોકરી છુટ્યા બાદ ગઠિયાએ મિત્ર સાથે મળીને શોર્ટકટથી રૂપીયા કમાવવાનો કિમીયો શોધી કાઢ્યો હતો. બનાવટી પોલીસ બનીને તોડ કરવાનું શરૂ કર્યું હતું. જોકે પોલીસ તરીકેની ઓળખ આપવા માટે આરોપીએ બનાવટી SOGના આઇકાર્ડ પણ બનાવ્યાં. પરંતુ SOGને મળેલ બાતમીના આધારે બંન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.

બંન્ને આરોપીઓની અમદાવાદ SOGએ કરી ધરપકડ

પોલીસ સંકજામાં ઉભેલા આ બંન્ને આરોપીઓના નામ નયન પરમાર અને ગૌરાંગ ભીલ છે. બંન્ને આરોપીઓની અમદાવાદ SOGએ ધરપકડ કરી છે. SOGને બાતમી મળી હતી કે, આ બંન્ને આરોપીઓ પાસે SOGનું બનાવટી આઇ કાર્ડ છે. જેના આધારે તેઓ પોલીસ તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી રૂપીયા પડાવી રહ્યાં છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે નયન પરમાર કુરીયર કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ નોકરી છુટી જવાને કારણે તેનો પગાર બંધ થઇ ગયો હતો. જેથી તેણે તેના મિત્ર ગૌરાંગ સાથે મળીને શોર્ટકટથી રૂપીયા કમાવવા માટે આ પ્લાન ઘડી કાઢ્યો હતો.

આરોપીઓ 6 મહીનાથી લોકો પાસેથી તોડ કરી રહ્યાં હતા

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓ 6 મહીનાથી આ રીતે આઇ કાર્ડ બનાવીને લોકો પાસેથી તોડ કરી રહ્યાં હતાં. બંન્નેએ એક સાયબર કાફેમાં જઇને આ આઇકાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ પોલીસ જેવો લુક રાખતા હતાં. તેઓ ખાસ સ્પા કે બુટલેગરોને વધુ ટારગેટ કરતા હતાં. પોલીસથી બચવા માટે ક્યારેય મોટા પ્રમાણમાં તોડની અપેક્ષા રાખતા નહી. નાની રકમનો તોડ કરીને ત્યાંથી રવાના થઇ જતા હતાં.

હાલમાં પોલીસએ બંન્ને આરોપીની ધરપકડ કરીને તેણે આ આઇકાર્ડ કોની પાસે બનાવ્યાં હતા. કઇ કઇ જગ્યાએ તેમણે તોડ કર્યાં છે. આ સમગ્ર મામલામાં કોઇ પોલીસ વિભાગના કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

  • Follow us on: