- બે હજારની નોટથી ખરીદી કરવા સોની બજારમાં ઉમટ્યા લોકો
- 1 તોલા સોનાનો ભાવ 70 હજાર, તો કિલો ચાંદીના 80 હજાર
- કાળુ નાણું સોનામાં ઠલવાય તેવી શંકાથી ભાવ ઉંચકાયા
RBI એ 2 હજારની નોટ છાપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યા બાદ રાજ્યમાં વિવિધ સ્થાનો પર વિવાદ સામે આવી રહ્યો છે. જેમાંખાસ કરીને સામાન્ય લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ સાથે જ હવે ગુજરાતમાં અમુક જગ્યાએ 2000ની નોટ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ઉલ્લેખનિય છે કે RBIએ જણાવ્યું હતું કે નોટની માન્યતા રદ્દ કરવામાં આવી નથી. તો અમુક જગ્યા પર બજારમાં બે હજારની નોટથી ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા છે.
કાળુ નાણું સોનામાં ઠલવાય તેવી શંકાથી ભાવ ઉંચકાયા
રાજ્યમાં બે હજારની નોટથી ખરીદી કરવા સોની બજારમાં લોકો ઉમટ્યા છે. જેના કારણે 1 તોલા સોનાનો ભાવ 70 હજાર નજીક પહોંચી ગયો છે, તો ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યો છે અને 1 કિલોનો ભાવ 80 હજાર સુધી પહોંચ્યો છે. આ વચ્ચે સોનામાં 10 ગ્રામનો નોર્મલ ભાવ 62 હજાર આસપાસ છે.
જ્યારે બીજી તરફ 2000 ની નોટ બંધ થવાના કારણે કાળુ નાણું સોનામાં ઠલવાય તેવી શંકાથી ભાવ ઉંચકાયા હોવાનું પણ વિશેષજ્ઞો મત સામે આવી રહ્યો છે. આ ઉપરાંત બે હજારની નોટથી ડોલર અને પાઉન્ડની ખરીદીમાં ઉંચા ભાવ સામે આવી રહ્યા છે.
આ ઉપરાંત શુક્રવારે જ્યારે RBI તરફથી 2000ની નોટની માન્યતા રદ્દ કરવાની જાહેરાત કરી ત્યારબાદથી સામાન્ય લોકો નાની રકમનું પેટ્રોલ ભરાવી બે હજારની નોટ વટાવી રહ્યા છે. તો કેટલીક જગ્યા પર 2000 ની નોટ બંધ થવાના સમાચાર આવતાં જ બજારમાં લોકોની અરાજકતા શરૂ થઈ છે. જેમાં બેંકોના ATM ની બહાર પૈસા જમા કરવવા માટે લાઈનો લાગી રહી છે. તો પેટ્રોલ પંપ પર 50-100 ના માટે 2000 ની નોટો આપવામાં આવી રહી છે. તો બીજી તરફ બજારમાં પણ નાની ખરીદી માટે લોકો રૂ.2000 ની નોટ આપી રહ્યા છે.









