• તિરૂપતિ પાર્કમાં બન્યો બનાવ
  • બાળકી સિવિલમાં સારવાર માટે દાખલ
  • જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે બાળકી

જામનગરમાં હૈયુ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જામનગરની ભાગોળે આવેલ તિરુપતિ પાર્કમાં માતાના પ્રેમીએ પાંચ વર્ષની ફુલ જેવી પુત્રીની હત્યાની કોશિશ કરતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. આ પ્રકરણમાં બાળકીને ગંભીર ઇજા થતા તે બેભાન થઈ ગઈ હતી. જેને લઈને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. હાલ બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હાલ પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લઇ અટકાયત કરી છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાનને જામનગરના ઢીંચણા રોડ પર નયારા પેટ્રોલ પંપની પાસે આવેલ તિરૂપતિ પાર્ક સોસાયટીમાં રહેતા 26 વર્ષની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. પાંચ વર્ષની પુત્રીની માતા સાથે વીરેનને લગ્ન કરવા હતા, પરંતુ તેની પાંચ વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો. આરોપી વિરેન જાનકીદાસ રામાવતે ફરિયાદીને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ પરંતુ તારી દીકરીને રાખીશ નહીં! જેથી ફરિયાદીએ દીકરીને પોતાની સાથે રાખવાનું કહ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે રકઝક થઈ હતી. આ સ્થિતિ વચ્ચે આરીપીએ ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવામાં આડ ખીલી રૂપ બનતી હોવાથી પાંચ વર્ષની ફૂલ જેવી બાળકીને પેટમાં બટકા ભર્યા હતા અને આડેધડ માથાના પગમાં અને મોઢાના ભાગે વેલણનો ઘા ઝીંકી તેને પતાવી દેવાની કોશિશ કરી હતી.

યુવતીના 2017 ની સાલમાં લગ્ન થયા હતા અને તે દરમિયાન પતિ સાથે લગ્ન જીવનમાં અવારનવાર અણ બનાવ બનતા હતા. જેને લઈને થોડા સમય અગાઉ બંને છૂટાછેડા લઈ લીધા હતા. આ દરમિયાન પરિણીતાને ત્રણેક વર્ષથી વીરેન રામાવત સાથે મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. બાદમાં યુવતી તેની સાથે રહેવા પણ માંગતી હતી તે દરમિયાન પ્રેમી યુવક તેને ઘરે મળવા આવતો હતો. તેમાં બાળકી નડતરરૂપ બનતા આરોપીએ હત્યાની કોશિશ કરી હતી. યુવતી પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં ગઈકાલે સાંજે આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકીને પેટમાં બટકા ભર્યા હતા, વેલથી હાથપગમાં, અને માથામાં હુમલો કર્યો હતો. આ બનાવમાં બાળકીને માથામાં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બાળકીની માતાએ આરોપી વીરેન રામાવત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ બહાર આવતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. પ્રેમ સંબંધમાં લગ્ન કરવા માટે પરિણીતાની પાંચ વર્ષની પુત્રી આડખીલી રૂપ બનતી હોવાથી હેવાન યુવકે કાંડ કર્યાનું બહાર આવ્યું છે. જોકે પોલીસે આરોપી વીરેનને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે અને તેની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: