-
વિજય પટેલે CNBC અને GACB કોઇનના નામે પણ અનેકને ડુબાડયા
-
સુરતના ગુનામાં જામીન પર છૂટયા બાદ અમદાવાદમાં કોઇન લોન્ચ કર્યો
-
બુલટ્રોન કોઇન કૌભાંડનો આંકડો 50 કરોડ પર પહોંચી ગયો
પખવાડિયા પહેલાં અમદાવાદ સાયબર સેલે બુલટ્રોન કોઇનના નામે કરોડોનું કૌભાંડ આચરનારા સુરતના 3 અને અમદાવાદના 1 ભેજાબાજને પકડી પાડયો હતો. સુરતના 3 પૈકી બે ભેજાબાજો તો ક્રિપ્ટો કરન્સીના નામે ખેલ કરવામાં બદનામ છે. આરોપી અલ્તાફ વઢવાણિયા NCR કોઇનના નામે ફુલેકું ફેરવવાના ગુનામાં જામીન પર છૂટયા બાદ નવો કોઇન અમદાવાદમાં લોંચ કરી અનેકને રડાવ્યા હતા, તો વિજય પટેલે CNBC અને GACB કોઇનના નામે લોકોને ડૂબાડયા છે.

બુલટ્રોન કોઇન કૌભાંડનો આંકડો 50 કરોડ પર પહોંચી ગયો
મળતી વિગતો પ્રમાણે પંદર દિવસ પહેલાં અમદાવાદ સાયબર સેલે બુલટ્રોન નામની ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કરોડોનું કૌભાંડ આચરનારા રાજુ શીખાભાઇ લુખી (રહે. સાઇ શ્રદ્ધા એપાર્ટમેન્ટ, સુદામા ચોક, મોટા વરાછા- મૂળ પાલિતાણા, ભાવનગર), અલ્તાફ અમીરઅલી વઢવાણિયા (રહે. કરીમાબાદ સોસાયટી, ઘોડદોડ રોડ), વિજય શાંતિલાલ પટેલ (રહે. નવા ફળિયા, ડુંગરા, કામરેજ) અને ઝુલ્ફીકાર બરકતઅલી હાલાણી (રહે. સરખેજ, અમદાવાદ)ને પકડી પાડયા હતા. આ ટોળકી એક સપ્તાહમાં એકના ડબલની લોભામણી સ્કીમ આપી સંખ્યાબંધ લોકોના નાણાં ઓહિયા કરી ગયા હતા. અમદાવાદ પોલીસની તપાસમાં બુલટ્રોન કોઇન કૌભાંડનો આંકડો 50 કરોડ પર પહોંચી ગયો હતો. ચારેય આરોપીને જેલમાં મોકલી અપાયા છે.
વિજય પટેલ બિટપાવર, CNBC અને GACB કોઇનમાં બહુ વગોવાયો
દરમિયાન ચાર પૈકી 3 આરોપી સુરતના છે અને તેમાંય બે આરોપી અલતાફ વઢવાણિયા અને વિજય પટેલ તો ક્રિપ્ટો કરન્સીના નામે કૌભાંડ આચરવામાં નામચીન છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અલતાફ વઢવાણિયા સામે વર્ષ 2018માં સુરતના સરથાણા પોલીસ મથકમાં NCR કોઇનના નામે કરોડોની ઠગાઇનો ગુનો નોંધાયો હતો. બહુચર્ચિત આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાંચે અલતાફની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જોકે, ભેજાબાજ અલતાફે જેલમાંથી જામીન પર છૂટી મળતિયાઓ સાથે મળી અમદાવાદમાં બુલટ્રોન કોઇન લોંચ કરી સેંકડો લોકો પાસે રોકાણ કરાવી ઉલાળિયું કર્યુ હતું. આ જ રીતે આરોપી વિજય પટેલ બિટપાવર, CNBC અને GACB કોઇનમાં બહુ વગોવાયો હતો. વિજયે અંકુર ખોખર અને જીતુ વઘાસિયા સાથે મળી ક્રિપ્ટોના નામે મોટા ખેલ કર્યા હોવાનું જાણવા મળે છે.