ડભોઇથી મીયાગામ કરજણ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું ગુડસ ટ્રેન સમયાંતરે દોડાવાય છે. પરંતુ પેસેન્જર ટ્રેન દોડાવવાની રાહ જોવાય છે.


આ બાબતને સંદેશ દૈનિકે 26 નવેમ્બરના રોજ ઉજાગર કરી હતી. જેના પગલે ગત સપ્તાહે રેલવે ડીઆરએમએ મેમુ ટ્રેન ચાલુ કરવાના હેતુને લઈ સંલગ્ન અધિકારીઓ સાથે વિઝીટ કરી, સંલગ્ન અધિકારીઓએ હજુ પેસેન્જર ટ્રેન દોડાવવા માટે કેટલીક ક્ષતિઓ દૂર કરવી પડશે તેમ હોવાનો રિપોર્ટ કર્યો હતો. તો ગતરોજ જ આ ટ્રેક પર ટ્રાયલ સ્વરૂપે પેસેન્જર ટ્રેન દોડી તો શું હજુ પણ આ ટ્રેક પર પેસેન્જર ટ્રેન દોડવા માટે પ્રજાને રાહ જોવી પડશે ? તેવા સવાલ ઉઠયાં છે.

ડભોઇ થી મિયાગામ કરજણ નેરોગેજ રેલવે લાઈનમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ 3 માર્ચ 2023ના રોજ સીઆરએસ ઇસ્પેક્શન પણ થઈ ચૂક્યું એ સમયને પણ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. દરમિયાન આ લાઈન પર સપ્તાહમાં ચારથી પાંચ વાર ગુડ્સ ટ્રેન દોડતી થઈ ચૂકી હતી. જે બાબતને ધ્યાનમાં લઇ સંદેશ અખબારે 26 નવેમ્બર-24ના રોજ પેસેન્જર ટ્રેન ક્યારે દોડશે એ બાબતને ઉજાગર કરી હતી. જેને અનુલક્ષી આ ટ્રેક પર પ્રથમ તબક્કે મેમુ ટ્રેન વહેલી તકે ચાલુ કરવાના નિર્ણય સાથે રેલવેના વડોદરા ડિવિઝનના ડી.આર.એમ દ્વારા ગત સપ્તાહે જ સંલગ્ન અધિકારીઓ સાથે જ આ લાઈન પર વિઝિટ કરી હતી. એ બાબતે આધારભૂત મળતી માહિતી મુજબ, સંલગ્ન અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેન ચાલુ કરવા માટે નવીન નંખાયેલ આ ટ્રેક પર હજુ પણ કેટલીક ક્ષતિઓ હોઈ જે દૂર કરવી પડે તેમ હોવાથી હાલ મુસાફર ટ્રેન ચાલુ થઈ શકે તેમ નથી. તેવો રિપોર્ટ આપ્યો હતો. પરંતુ આજદિન સુધી આ ક્ષતિઓ દૂર કરવા કે તેની મરામત માટે કોઈપણ પ્રકારની હિલચાલ તો થઈ કે કેમ ? એ પણ એક પ્રશ્ન છે. પરંતુ વહેલી તકે આ ટ્રેક પર મેમુ ટ્રેન દોડતી કરવી એ પણ એક ચોક્કસ બાબત છે. ત્યારે ફરી પાછી એકવાર ગત રોજ બપોર બાદ આ ડભોઇથી મીયાગામ કરજણ નવા નાખેલ ટ્રેક પર પેસેન્જર ટ્રેને ટ્રાયલ લીધો હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. તો શું સંલગ્ન અધિકારીઓએ ક્ષતિઓ દૂર કરી મરામત કરી પેસેન્જર ટ્રેન દોડી શકે તે પ્રકારનું મજબુતિકરણ કરી નાખ્યું જ હોય તો હવે આ ટ્રેક પર પેસેન્જર ટ્રેન ટૂંક સમયમાં દોડતી થઈ જશે એવું પ્રજા માની લે ? તેવા સવાલો સાથે વહેલી તકે હવે આ ટ્રેન ચાલુ થાય તેની પંથકની પ્રજા રાહ જોઈ રહી છે.

ગુરુવારે બપોર બાદ જ ડભોઇ-કરજણ રેલવે ટ્રેક પર દોડાવાયેલી પેસેન્જર ટ્રેન નજરે પડે છે.

પ્રવાસન ટ્રેન સપ્તાહમાં પાંચવાર ખાલી જતી હોવા છતાં પણ ચાલુ જ્યારે ડભોઇથી કરજણ ઔદ્યોગિક ટ્રેન કમાઉ હોવા છતાં ચાલુ કરવામાં વિલંબ કેમ? વડાપ્રધાન મોદીના સપનાને ફિલફૂલ કરવાના હેતુને લઈ ત્રણથી ચાર લાંબા રૂટની અને ત્રણ મેમુ ટ્રેનો દોડાવાઈ રહી છે. જોકે ડભોઇ જંકશનને લાંબા રૂટની ટ્રેનનો તો લાભ મળતો જ નથી. અને સપ્તાહમાં પાંચ વાર તો ટ્રેનો સદંતર ખાલી જોવા મળે તો, ડભોઇ મીયાગામ લાઈન એ ઔદ્યોગિક ટ્રેન આ વિસ્તારની પ્રજાને મુંબઈ સુધી જવું તે પણ સરળ પડે અને રેલવેને પર્યટક ટ્રેન કરતાં પણ સારી એવી કમાણી થઈ શકે તેમ છે તો, હવે રેલવે તંત્ર મિયાગામ ટ્રેન ચાલુ કરવા કોની રાહત જોઈ રહ્યું છે ?


  • Follow us on: