દાહોદમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કચરો ઉપાડનાર પતિ પત્નીને સામાન્ય બાબતે બે ઈસમોએ ઝઘડો કરી માર મારતા આ મામલે અજાણ્યા બે વ્યક્તિઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કચરો ઉપાડનાર કર્મીઓ કામથી અળગા રહ્યા હતા અને આ મામલે કલેકટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.
દાહોદ તાલુકાના નાની ખરજ કોતર ફળિયામાં રહેતા અને હાલ ભૂમિકા ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ઇન્ડિયા સ્માર્ટ સિટી અંતર્ગત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીમાં કચરો ઉપાડવાનો કામ કરતા અરવિંદભાઈ કનુભાઈ માવી તેમજ તેમની પત્ની તથા તેમની સાથે અન્ય બે સફાઇ કામદારો ગઈકાલે ઠક્કર ફ્ળીયા મસ્જિદ વાળી ગલીમાં કચરા કલેક્શન માટે ગાડી લઈને ગયા હતા. દરમિયાન બે અજાણ્યા શખ્સોએ નીચે પડેલો કચરો કેમ નથી ઉપાડતા તેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈ કચરો કલેક્શન કરવા આવેલા અરવિંદભાઈને ગડદાપાટુનો માર મારતા અરવિંદભાઈને છોડાવવા વચ્ચે પડેલી તેમની પત્નીને પણ ઉપરોક્ત બંનેએ માર મારી અરવિંદભાઈ તેમજ તેમની પત્ની તથા અન્ય બે જણાને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી જતા રહ્યા હતા. જે બાદ આ મામલે કંપનીના સુપરવાઇઝર તેમજ સફાઇ કર્મીઓ સાથે આજરોજ બી ડિવિઝન પોલીસ મથકે બે શખ્સ વિરોધમાં ગુનો દાખલ કરાવ્યો હતો. તેમજ આવી ઘટનાઓના વિરોધમાં આજે શહેરના તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનનું કામ કરતા કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. અને આ મામલે કાર્યવાહી કરવા માટે કલેકટર ને રજૂઆત કરી હતી.










