રાજ્ય તથા કેન્દ્ર સરકાર મકાન વિહોણા લોકોને ઘરનું ઘર અપાવવા માટેની આવાસ યોજનાનો લાભ તકવાદી તત્વો ઉઠાવી રહ્યા હોવાના અનેક દાખલા જોવા મળે છે. જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થી આ લાભથી વંચિત રહી જાય છે.
સુખસર પ્રજાપતિ વાસ ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ પંચાલ માતા સાથે રહે છે. તેમનું મકાન કાચું અને માટીના લિપણવાળુ છે. આ પરિવાર મકાન ઉપર નળિયા,પતરાં અને ચાદર પાથરી મકાનમાં રહે છે. મોટા બોરીદાના બળવંત વીરજી ભાભોર પણ જુના જર્જરીત મકાનમાં રહે છે. તેમનું અડધું મકાન છતના ભાગે ખુલ્લું હોઈ જીવનું જોખમ જણાતા ક્યારેક રાત્રિના સમયે કુટુંબ કે અન્ય જગ્યાએ જઈ ઉંઘી રહે છે. આ બંને વ્યક્તિને આવાસ યોજનાની સહાય મળે તે માટે અનેક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી તેમને લાભ મળ્યો નથી.










