જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં મોટાપાયે કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે ગઈકાલે વિરોધપક્ષના નેતા અમીત ચાવડા દ્વારા આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી હતી. જે બાદ આજે 26 ગ્રામ પંચાયતોના સરપંચો સહિત ગ્રામજનોએ જાંબુઘોડા ખાતે ભેગા થઈ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવી આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી મનરેગા યોજના હેઠળ થયેલા તમામ કામોની કોંગ્રેસને તપાસ કરવા ખુલ્લી ચેલેન્જ આપી હતી.


ગત રોજ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલના પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈના વતન જાંબુઘોડામાં તેઓ દ્વારા મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો છે. પરંતુ આ મામલે 26 ગામોના સરપંચો સહિત સેંકડો લોકોએ આજે જાંબુઘોડા ખાતે ભેગા થઇ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવી મનરેગા યોજના હેઠળ કામો થયા છે, જોબકાર્ડ ધારકોના ખાતામાં પણ નાણાંની ચુકવણી કરાઈ છે. સરપંચોએ ભુતપુર્વ ધારાસભ્ય અને કોંગી નેતા ઉદેસિંહ બારીયા દ્વારા રાજકીય દ્વેષ રાખી આક્ષેપ કરાયાનો આરોપ લગાવ્યો હતો.


  • Follow us on: