વલસાડમાં જોખમી સ્ટંટના કરાનારા નબીરાઓને પોલીસે પાઠ ભણાવ્યો. નબીરાઓ પારડી હાઈવે પર નવકાર રસ્તા ખાતે કારમાં જોખમી સ્ટંટ કર્યા હતા. આટલેથી ના અટકાતા આ નબીરાઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં સ્ટંટના વીડિયો પોતાના એકાઉન્ટમાં અપલોડ કરી વાયરલ કર્યા. સોશિયલ મીડિયામાં નબીરા સ્ટંટબાજના વીડિયો વાયરલ થતા પોલીસ એકશનમાં આવી.
સ્ટંટનો વીડિયો કર્યો અપલોડ
સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા કંઈપણ કરતા હોય છે. હાલમાં પારડી હાઈવે પરના નબીરાઓના બેફામ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં દેખાય છે કે જીવના જોખમે યુવાને બાઈકમાં સુતા સુતા સ્ટંટ કર્યા. નેશનલ હાઇવે નંબર 48 પર વલસાડ વિસ્તારમાં એક સાથે 9કાર રસ્તા વચ્ચે ચલાવી સ્ટંટ કર્યા હતા. 10 જેટલા નબીરાઓએ મુખ્ય માર્ગ પર એક સાથે વાહનો ચલાવી ટ્રાફિક અને અડચણરૂપ ગફલત ભરી રીતે ગાડીઓ ચલાવી હતી. આ સ્ટંટ કર્યા બાદ જાણે કોઈ પરાક્રમ કર્યું હોય તેમ તેનો વિડીયો બનાવી instagram પર અપલોડ કર્યો હતો.
પોલીસે સ્ટંટબાજોનો ઉતાર્યો નશો
જાહેરમાર્ગને પોતાના બાપની જાગીર માની રસ્તો બાનમાં લેતા આવા નબીરાઓનો નશો પોલીસે ઉતાર્યો. સોશિયલ મીડિયામાં નબીરાઓના સ્ટંટનો વીડિયો વાયરલ કરનાર તમામ નબીરાઓની પોલીસે અટકાયત કરી. સાથે 82 લાખની 9 જેટલી કાર પણ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી. સંભવત નબીરાઓ સામેની પોલીસની કાયદાકીય કામગીરીમાં કોઈ અડચણ ના આવે. પોલીસ આ નબીરાઓ સામે કાયદાકીય કરતા જોખમી અને જીવલેણ સ્ટંટ બાજો વિરુદ્ધ લાગતી કલમ લગાવી કાર્યવાહી કરે તેવી શકયતા છે.
સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો અડ્ડો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે ફેમસ થવાનો અડ્ડો બન્યું છે. નબીરાઓના સ્ટંટનો વીડિયો જોતા લાગે છે કે તેઓએ જાણીજોઈને આવું કારસ્તાન કર્યું છે. લોકોની અવરજવર રહેતી હોય તેવા રસ્તા પર જોખમી સ્ટંટ કરી નબીરાઓએ પોતાની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા. સોશિયલ મીડિયામાં ફેમસ થઈ લોકોને (ખાસ કરીને યુવતીઓને) ઇમ્પ્રેસ કરવાની લ્હાયમાં યુવાનો પોતાની જવાબદારી ભૂલ્યા છે. આવા નબીરાઓને પોલીસે બરાબારનો પાઠ ભણાવવો જોઈએ.
નબીરાઓને સ્ટંટનું ઘેલુ લાગ્યું
ગુજરાતમાં નબીરાઓને સ્ટંટનું ઘેલુ લાગ્યું છે. અનેક વખત સમાચારો અને અખબારોમાં જોખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડવામાં આવ્યા હોવાનું સામે આવ્યા બાદ પણ યુવાનો આવા જોખમી સ્ટંટ કેમ કરતા હશે તે આશ્ચર્ય પમાડે છે. શું યુવાનોમાં કાયદાનો ડર રહ્યો નથી કે પછી કાયદાની છટકબારી શોધી નીકળી જઈશું તેવો વહેમ છે અથવા તો કોઈ મહાનુભવાનો હાથ પકડી સરળતાથી છૂટી જઈશું તેવું માને છે.









