- શહેરની યુવતી ક્લાસિકલ સંગીતમાં વિશારદ પ્રાપ્ત કર્યું
- ઋતિકાએ હિન્દી ફિલ્મ હરિયાણા ફિલ્મમાં માયા ગીત ગાયું
- વિશલિસ્ટ ફિલ્મમાં મે ઓર તુમ જેવા ટાઈટલ ટ્રેક ગાયા
પુત્રના લક્ષણ પારણામાંથી અને મન હોય તો માંડવે જવાય જેવી ઉક્તિઓને સાકાર કરીને વડોદરા શહેરની ઋતિકાએ તેની માતાના સિંગર બનવાના સ્વપ્નને સાકાર કરતા હરિયાણા ફિલ્મમાં માયા અને વિશલિસ્ટ ફિલ્મમાં મે ઓર તુમ જેવા ટાઈટલ ટ્રેક ગાઈને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સંગીત ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા માટે તેણે ક્લાસિકલ સંગીતમાં વિશારદ પ્રાપ્ત કર્યું છે.

પોતાના સિંગર બનવાની સફર વિશે જણાવતા ઋતિકા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, મારી માતા હર્ષા બ્રહ્મભટ્ટનું સ્વપ્ન સારા સિંગર બનવાનું હતું. જે માટે તેઓએ ડગ માંડ્યા પણ હતા અને તેમણે સુનિધિ ચૌહાણ સાથે સ્ટેજ શેર પણ કર્યું હતું. સમય જતાં પરિવારની જવાબદારીઓને કારણે તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું અને તેમના સ્વપ્નને સાકાર કરવા માટે સિંગીગ સેક્ટરમાં જંપલાવ્યું. હાલમાં મોહિત પાઠક, અદનાન સામી અને ઉમેશ બારોટ જેવા સિંગરો સાથે કામ કર્યું છે. હરિયાણા અને વિશલિસ્ટ જેવી હિન્દી ફિલ્મોના ટાઈટલ ટ્રેક ગાયા. આ સાથે મુને એકલી જાણીને અને રૂડીને રંગેલી જેવા ગુજરાતી હિટ સોંગ ગાઈને માતા હર્ષા બહેન અને પિતા દિલીપ ભાઈનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનિય છે કે, ઋતિકા સિંગિગની સાથે પિયાનો પણ સારી રીતે વગાડી શકે છે. જે માટે તેણે લંડનથી પિયાનો વગાડવાની તાલીમ લીધી હતી. આ સાથે ઋતિકા ચાર વર્ષની હતી ત્યારથી સંગીતની સાધના કરે છે.
મારું ડ્રીમ છે કે, ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેરમાં મારા પોસ્ટ લાગે
સિંગર ઋતિકા બ્રહ્મભટ્ટનું ડ્રીમ છે કે, ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેરમાં તેના પોસ્ટ લાગે. આ માટે તેણે પહેલું પગલું ભરી લીધું છે. હાલમાં ઋતિકા દ્વારા ગવાયેલી રેડિયો જિંગલ યુકેના રેડિયો સ્ટેશન ૧૦૭.૯ FM માં તેમના રેડિયોના થીમ સોંગ તરીકે વાગી રહી છે.