• બંધ ક્વાટર્સનો નિકાલ લાવે અથવા ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી સ્થાનિકોની માંગ

  • જિલ્લા અને તાલુકા આરોગ્ય અધિકારી તેમજ ડીડીઓની મુલાકાત પણ સમસ્યા ઠેરની ઠેર
  •  બાવળો ઊગી જતા તેમજ કચરો જમા થતા અગાઉ પણ બે વખત આગ લાગી હતી

જુનાડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ક્વાટર્સ બંધ હાલતમાં પડયા છે. જેમાં બાવળો ઊગી જતા તેમજ કચરો જમા થતા અગાઉ પણ બે વખત આગ લાગી હતી. જે તે વખતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને પત્ર લખી આ કવાટર્સની નિયમિત સાફ સફાઈ કરાવવા અથવા તેઓને જરૂર ન હોય તો ગ્રામ પંચાયતને પરત આપવા માંગ કરી હતી. જે બાદ અહી જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ મુલાકાત લીધી હતી. તેમ છતાં હજુ સુધી આ પ્રકરણનો કોઈપણ નિવેડો આવ્યો ન હતો. ત્યારે મંગળવારે કવાટર્સમાં ફરીથી આગ લાગી હતી. આરોગ્ય કેન્દ્રની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી વારંવાર આગના બનાવોથી રહીશોમાં ભાય ફેલાયેલો છે આગ લાગતા ડીસા નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે દોડી આવી આગ બુજાવી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે વારંવાર બનતી આગની ઘટનાથી રહીશોમાં ભારે રોષ ફેલાયેલો છે અને આરોગ્ય વિભાગ હવે ઝડપથી આ બંધ કવાટર્સનો નિકાલ લાવે અથવા ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી માંગ કરી રહ્યા છે.


  • Follow us on: