- સગીર, દિવ્યાંગ, માનસિક રીતે દુર્બળ વ્યક્તિ, મહિલા, એસસી-એસટીનું ધર્મપરિવર્તન કરાવનારને આજીવન કારાવાસ
- ધર્મપરિવર્તન માટે વિદેશોમાંથી થતા ફંડિંગ પર 14 વર્ષની સજા ઉપરાંત10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ
- મહિલા કે વ્યક્તિની તસ્કરી કરે તો તેને ઓછામાં ઓછી 20 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર રાજ્યમાં લવ જિહાદ વિરોધી નવો કાયદો લાવી છે. 2021માં બનેલા કાયદામાં સુધારા કરવા માટે નવું બિલ રજૂ કરાયું હતું,
જેના પરની ચર્ચા બાદ બિલ પાસ થયું હતું. સરકારે ધર્મપરિવર્તન વિરોધી કાયદામાં સુધારા કરીને ધર્મપરિવર્તન સાથે સંકળાયેલા ગુનામાં સજાની અવધિ વધારી દીધી છે. તેમાં હવે આજીવન જેલની સજા અને એક લાખ રૂપિયા સુધીના આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ, ધર્મપરિવર્તન માટે વિદેશોમાંથી થતા ફંડિંગ પર અંકુશ મૂકવા કડક જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભામાં પસાર કરાયેલા બિલને ઉત્તરપ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિષેધ (સંશોધન) નામ આપાયું છે.2021માં બનેલા કાયદામાં એકથી 10 વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયાના આર્થિક દંડની જોગવાઈ હતી. નવી જોગવાઈ અનુસાર, સગીર, દિવ્યાંગ અથવા માનસિક રીતે દુર્બળ વ્યક્તિ, મહિલા, એસસી-એસટીનું ધર્મપરિવર્તન કરાવવામાં આવે તો દોષિતને આજીવન કારાવાસ અને એક લાખ રૂપિયાનો આર્થિક દંડ કરી શકાશે. વિદેશી કે ગેરકાયદે સંસ્થાઓ પાસેથી ધર્મપરિવર્તન માટે ફંડિંગ મળ્યું હોય તેવા કિસ્સામાં 14 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાના આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે.










