અમદાવાદના ધોળકામાં ગૌચરની જમીનમાં માટી ખનન થતું હોવાનું સામે આવ્યું છે. ધોળકાના ગ્રામજનો દ્વારા કૌકાની ગૌચર જમીનમાં થતું ખનન રોકવા તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા ગૌચર જમીનમાં માટી ખનન રોકવાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોની માંગ છે કે માટી ખનન કરનારા સામે સરકાર કડક પગલાં લેવામાં આવે.


ગૌચર જમીન હડપવાનો કારસો

ધોળકામાં આંબારેલી અને કૌકા વચ્ચેની ગૌચર જમીનમાંથી છેલ્લા ઘણા સમયથી બેફામપણે માટી ખનન થઈ રહ્યું છે. આંબારેલી ગામના અસમાજિક તત્વો જે જમીન હડપવના પ્રયાસ કરતા હોય છે તેમણે હવે ગૌચરની જમીન હ઼ડપવાનો કારસો રચ્યો છે. કોઠ રોડ પર ખાનગી કંપની દ્વારા ગૌચરની જમીનમાંથી મોટાપાયે ગેરકાયદેસર માટી ખનન કરાઈ રહ્યું છે. આ મુદે કૌકા ગ્રામ પંચાયત દ્વારા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ બેરોકટોક ટ્રેકટરોમાં માટીની હેરફેર થઇ રહી છે અને ગૌરક્ષા અને ગૌચર જમીનની રક્ષા કરવાની બાંગ પોકારતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

તંત્ર કડક પગલા લે તેવી ગ્રામજનોની માગ

કૌકા ગામના સરપંચે કહ્યું કે તેમણે ખુદ અનેક વાર ખનન મામલે ફરિયાદ કરી ચૂક્યા છે. છતાં પણ બેરોકટોક ટ્રેકટરોમાં મોટાપાયે માટીની હેરફેર થઇ રહી છે. રોડ પર ટ્રોલીની પાછળના ખુલ્લા પાટિયા રાખીને બે ફામ ટ્રેક્ટરો દોડી રહ્યા છે. નાના વાહન ચાલકો માટી ઉડવાના કારણે હેરાન પરેશાન થાય છે. સીમેજ ગામ નજીક કોઠના રોડ પર આવેલ ખાનગી કંપનીમાં ટ્રેક્ટરો દ્વારા માટી પુરાણ ચાલી રહ્યું છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા આ ગેરકાયદે માટી ખનન કરતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી માટી ખનન અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.


  • Follow us on: