• કોંગ્રેસની સરકારમાં પકડાયેલ માછીમારોને વધુમાં વધુ 8 મહિનામાં મુક્ત કરાવી દેવાતા
  • વર્તમાન ભાજપ સરકાર માછીમારોને મુક્ત કરાવામાં નિષ્ફળ - અર્જુનભાઈ મોઢવાડિયા
  • ભારતીય સમુદ્રી સીમામાં માછીમાર ભાઈઓને સુરક્ષા માટે પર્પાપ્ત વ્યવસ્થા કરવામાં આવે


 પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલ કબુલાત મુજબ ગુજરાતનાં 633 માછીમાર ભાઈઓ અને 1100થી વધુ બોટ અત્યારે તેમના કબ્જામાં છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ ગુજરાતના આ માછીમાર ભાઈઓ અને બોટોને મુક્ત કરાવવાની માંગ કરી છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સમુદ્ર સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ છે, આ સમુદ્રી સીમામાં ભાજપ સરકારે માછીમારોની સુરક્ષા માટે પર્પાપ્ત વ્યવસ્થા ન કરી હોવાથી તેનો લાભ લઈને પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ગુજરાતના માછીમારો અને બોટનું અપહરણ કરીને કરાચી લઈ જવામાં આવે છે.

અત્યારે ગુજરાતના કુલ 633 માછીમાર ભાઈઓ અને 1100થી વધુ બોટ અત્યારે તેમના કબ્જામાં છે. જેમની સાથે પાકિસ્તાનની જેલોમાં અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. તેમના માનવ અધિકારોનો ભંગ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ગુજરાતના માછીમારોની બોટમાંથી એન્જિન અને અન્ય સાધનોની ચોરી કરવામાં આવે છે. જેના કારણે લાખો રૂપિયાની લોન લઈને બોટ બનાવનાર બોટ માલીકોને ભારે આર્થિક નુકશાન થાય છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અગાઉની કોંગ્રેસ સરકારોમાં પકડાયેલ માછીમારો વધુમાં વધુ 8 મહિનામાં મુક્ત કરાવી દેવાતા, તેમજ પકડાયેલ બોટના કેસમાં બોટ માલીકને નવી બોટ બનાવવા 20 લાખની સહાય આપવામાં આવતી હતી.

 જો કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સહાય તો બંધ કરી જ છે, એટલુ જ નહીં પકડાયેલ માછીમાર ભાઈઓને મુક્ત કરાવવામાં પણ નિષ્ફળ રહી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ગુજરાત પાસે દેશમાં સૌથી લાંબો સમુદ્ર કિનારો છે. જે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ લાખો લોકોને રોજગારી આપવાની સાથે દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. પરંતુ પાકિસ્તાન મરીન દ્વારા થતી કનડગત અને વર્તમાન રાજ્ય/કેન્દ્ર સરકારની ઉદાશીનતાના કારણે આજે માછીમાર ઉદ્યોગ પડી ભાંગવાની અણી ઉપર પહોચી ગયો છે. ત્યારે મારી રાજ્ય અને કેન્દ્રની સરકારને અપીલ છે કે માનવીય ધોરણે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર ભાઈઓને મુક્ત કરાવવા માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવે. તેમજ તેમની બોટ પણ પરત મળે તે માટે પ્રયત્નો કરાય. જો બોટ છોડાવાનું શક્ય ન બનતુ હોય તો અગાઉની સરકાર તે સમયે બોટનો ખર્ચ આપતી હતી તેમ અત્યારે બોટ બનાવવાનો ખર્ચ લગભગ 50 લાખ રૂપિયા થાય છે તે સહાય રૂપે આપવામાં આવે.

  • Follow us on: