• ધાર્મિક સંસ્થાએ વગ વાપરી રૂટ બદલાવ્યો હોવાનો આક્ષેપ

  • તાજેતરમાં જ જાહેરનામાને એક વર્ષ પુર્ણ થતા રદ્દ થયુ હતું
  • કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી

ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટનું ભુત પુનઃ ધુણ્યુ છે. આજે અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતીની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં ગાંધીનગર તાલુકાનું રદ્દ થયેલુ જાહેરનામું નવેસરથી બહાર નહી પાડવા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ આ પ્રશ્ને વધુ એક વખત આક્રમક રૂખ અપનાવી માંગણી નહી સંતોષવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપી છે.ઉલ્લેખનીય છેકે, ભારતમાલા પ્રોજેક્ટમાં ગાંધીનગર જિલ્લાની જમીન પણ સંપાદિત થાય છે. જમીન સંપાદન માટે એક વર્ષ પુર્વે ચારેય તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું. આ જાહેરનામા બાદ પણ ખેડૂતોના વિરોધ વચ્ચે જમીન સંપાદનની પ્રક્રિયા પુર્ણ થઇ નહતી. આ દરમિયાન જાહેરનામાને એક વર્ષ પુર્ણ થતા તે આપોઆપ રદ્દ થઇ ગયુ હતું. જેમાં ગાંધીનગર તાલુકાની જમીન સંપાદન માટેના બહાર પાડવામા આવેલા જાહેરનામાનો પણ સમાવેશ થાય છે. ખેડૂતોની આજે મળેલી બેઠકમાં પુનઃ કોઇ પણ હિસાબે જમીન નહી આપવાનો હુંકાર થયો હતો. સાથેસાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં ખેડૂતોના હિતમાં ગાંધીનગર તાલુકાનું નવેસરથી જાહેરનામું બહાર નહી પાડવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યુ હતુકે, ગાંધીનગર તાલુકાની ફળદ્રુપ જમીનને બંજર, બીનઉપજાઉ અને પાણીના તળ ઉંડા હોવાનું બતાવીને જમીન સંપાદન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઇવેના અધિકારીઓએ જમીનનો ફિઝીબીલીટી રિપોર્ટ ખોટો બનાવીને ખેડૂતો સાથે છેતરપીંડી આચરી છે. આ મામલે ખેડૂતોએ હાઇકોર્ટના દ્વાર પણ ખખવાડયા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કોર્ટમાં ઉપરોક્ત ફિઝીબીલીટી રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો નથી. બીજીતરફ ખેડૂતોએ કલેક્ટર સમક્ષ સનસનીખેજ આક્ષેપ કર્યો છેકે, જિલ્લાના મોટા ઇસનપુર તેમજ મગોડી ગામ પાસેથી ભારત માલા પ્રોજેક્ટનો રોડ પસાર થાય છે. પરંતુ અહિ એક ધાર્મિક સંસ્થાની જમીન આવેલી હોય તેઓએ પોતાની જમીન બચાવવા માટે લાગવગ લગાવીને રૂટમાં જ ફેરફાર કરાવીદીધો છે. આ રૂટ ફેરફારના કારણે અન્ય ખેડૂતોને પોતાની જમીન ગુમાવવાનો વારો આવ્યો છે અને તેઓને પારાવાર અન્યાય થયો છે. ખેડૂતોએ કલેક્ટરને આ મામલે પણ ધ્યાન દોરીને પોતાની માંગણીઓ પ્રત્યે યોગ્ય કરવા જણાવ્યુ છે. જો, માંગણીઓ નહી સંતોષાય તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.


  • Follow us on: