ડેસર તાલુકાના ગામે ગામ સસ્તા અનાજની દુકાને સરકાર તરફ્થી મળતા મફ્ત અનાજ મેળવવા માટે લાઈનમાં લાગેલા કેટલાક લાભાર્થીઓને આ વખતે અનાજ લીધા વગર વિલા મોઢે પરત ફરવું પડયું હતું. સસ્તા અનાજની દુકાનના સંચાલકે તેઓને જણાવ્યું હતું કે તમારું કેવાયસી બાકી છે. તે કરાવો પછી જ અનાજ મળશે.
ડેસર તાલુકા સેવાસદન ખાતે આવેલ પુરવઠા મામલતદારની કચેરીએ પોતાનું કેવાયસી કરાવવા માટે તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઊમટી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી જાહેરાતોના માધ્યમથી જણાવ્યું હતું કે, દરેક લાભાર્થીએ કેવાયસી ફરજિયાત કરાવવું પરંતુ કેટલાક લાભાર્થીઓ કેવાયસી કરાવવાથી વંચિત રહ્યાં હતા. જ્યારે સસ્તા અનાજની દુકાનો ઉપર મફ્ત અનાજ મેળવવા માટે લાંબી લાઈનોમાં લાગ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, તમારું મફ્ત અનાજ બંધ થઈ ગયું છે. વહેલી તકે કેવાયસી કરાવ્યા પછી મળશે. તેમ જાણતા વેત તાલુકાના અનેક ગામોમાંથી ડેસર પુરવઠા મામલતદારની કચેરીએ લાભાર્થીઓ કેવાયસી કરાવવા માટે ઊમટી પડયા હતા. કેટલાક લાભાર્થીઓ જીસ્વાન બંધ થઈ જવાના કારણે બે બે ધક્કા ખાઈને પણ જાગૃત બનીને કેવાયસી કરાવ્યું હતું. અને જણાવતા હતા કે, ચાલુ માસનું અનાજ મળશે કે કેમ ? તે એક સવાલ છે. માત્ર કેવાયસી માટે ગરીબ લોકોનું અનાજ રોક્યું હોય તો, કેવાયસી કરાવ્યા બાદ તેઓને આપવું જોઈએ તેવુ તાલુકાના જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે. જાણવા મળ્યા મુજબ, રેશનકાર્ડમાં તમામ નામોનું અનાજ બંધ નથી થયું. માત્ર જેના નામનું કેવાયસી બાકી હોય તેમનું અનાજ બંધ કરાયું છે. ડેસર તાલુકાના વરસડાથી આવેલા રાજેશભાઈ કાળુભાઈ રાવલ જણાવ્યું હતું કે, મારા રેશનકાર્ડમાં 7 નામ છે. તેમાં મારા મમ્મીના નામનું અનાજ મળ્યું છે. અમારા ભાઈ ભાભી અને અમારું કેવાયસી બાકી હોવાથી સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળ્યું નથી. માટે અમે મામલતદાર કચેરીએ કેવાયસી માટે આવ્યા છે.










