ડીસા નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખે નગરપાલિકા હદમાં કેબિનો અને દુકાનો ભાડામાં 200 ટકાથી વધુનો વધારો ઝીકી દીધો છે અને જનરલ બોર્ડમાં મંજૂર કરી અમલ પણ કરી દીધો છે.
ભાજપ શાસિત ડીસા નગરપાલિકાને બદનામ કરવામાં ભાજપના એક પણ નેતાએ અસર છોડી નથી પાલિકાના પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ શૈલેષ રાયગોરને વહીવટ ચલાવવા માટે દોઢ મહિના સુધીનો ચાર્જ આપવામાં આવ્યો હતો. ઈન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયગોરએ પોતાના અંગત સ્વાર્થ ખાતર એક કરોડના બિલો ચૂકવણું કરી પોતાનો અંગત સ્વાર્થ સાધી દીધો હતો. જોકે આટલું ઓછું હોય તેમ એક વિવાદિત ઠરાવો પણ કરી દીધા હતા. રોજી રોટી રળતા ગરીબ લોકો જે નગરપાલિકાના માલિકના કેબિનમાં અને દુકાનોમાં ભાડા થી ધંધો કરી રહ્યા છે. જે કેબિનોના ભાડામાં બસ્સો ટકા થી પણ વધુ વધારો ઝીકી દેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મંદીના સમયે આટલો ભાડા વધારાનો બોજો સહન કરી શકે તેમ નથી. ઈન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયગોરે જનરલ બોર્ડમાં ઠરાવ કરી આ વધારાને અમલમાં મૂકી દીધેલ જેમાં કેટલાક કોર્પોરેટર પણ અજાણ હોવાનું જાણવા મળેલ છે.
ભાડામાં ક્યાંક ડબલ તો ક્યાંક બસ્સો ઘણો વધારો
ઈન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયગોરએ જનરલ બોર્ડમાં કેબિનો અને દુકાનોના ભાડામાં રૂ.18 થી 50 હતું જેનો વધારો કરી રૂ.300 કરેલ જ્યારે રૂ.300 નું ભાડું હતું જે વધારી રૂ.એક હજાર કરી દીધેલ અને જેનું ભાડું રૂ.બે હજાર હતું જેનું ભાડું રૂ.ચાર હજાર કરી દીધેલ અને જેનું ભાડું રૂ.3855 હતું જે ભાડું રૂ.7000 કરી દીધેલ આમ ક્યાંક ડબલ તો કયાંક બસ્સો ગણો વધારો ઝીકી દીધો છે.
આગામી ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે?
ડીસા નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ શૈલેષ રાયગોરના અણધડીત નિર્ણય સામે દુકાનદારો અને કેબિન ધારકોમાં રોષ છે જોકે આ નિર્ણય થી ભાજપને એક વર્ષ બાદ આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં નુકસાન થશે અને રોષ મતદાન સમયે કાઢશે. ત્યારે ભાજપ સંગઠનએ નવા પ્રમુખ સાથે બેસી ભાડા વધારાના નિર્ણયને પરત ખેંચી લેવો જોઈએ.
1648 દુકાનદારોને ભાડાનો માર સહન કરવો પડશે
ડીસા નગરપાલિકા હદમાં આવેલ આનંદ પ્રકાશ શોપિંગ, ખુશ્બુ શોપિંગ, રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષ, લાલચાલી શોપિંગ, આંબલિકુવા હવાડા સામે, આંબલી કુવા હવાડા પ્રથમ માળ, સહિત 1648 કેબિન ધારકોને ભાવ વધારો ભોગવવું પડશે.