ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના ભક્તોના નાદ સાથે અને જય જય કાર સાથે આજે મંદિરના દ્વારા ખૂલ્યા. ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે બરાબર 5:00 વાગ્યાના અરસામાં દ્વાર ખોલતાની સાથે જ મંગળા આરતી કરવામાં આવી. હોળી તહેવારને લઈને આજે મધ્યરાત્રીથી જ ભાવિક ભક્તો મંદિરના દ્વારે આવી પહોંચ્યા હતા. મંગળા આરતીમાં આજરોજ 1 લાખ કરતા વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો.
મંદિરમો ભક્તોના ધસારો
વહેલી સવારે મંદિર ખૂલતા જ ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરવા માટે ભક્તોએ રીતસરની ડોટ મૂકી હતી. ભગવાન પણ એટલા જ અધૂરા હોય છે જેટલા ભક્તો પોતાના ભક્તને મળવા માટે આતુર હોય છે. ફાગણ સુદ ચૌદસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગલીએ ગલીએ બસ એક જ નાદ સંભળાઈ રહ્યો છે. 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે' ના ગુંજથી આખું ડાકોર આજે કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું છે. યાત્રાધામ ડાકોર પંહોચવા રાજ્યમાં જુદા-જુદા વિસ્તારમાંથી દિવસો પહેલા પગપાળા સંઘ નીકળ્યા છે જે આજે હોળી તહેવાર પર ડાકોર પંહોચશે. ડાકોરથી દૂર ત્રણ કિલોમીટર સુધી ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે અને આ અવરીત પ્રવાહ આખો દિવસ આ રીતે જોવા મળશે.
ડાકોર મંદિરની સ્થાપના
ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગુજરાત જ નહીં ભારતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. ભગવાન કૃષ્ણના પ્રખ્યાત મંદિરોમાં ડાકોરનો પણ સમાવેશ થાય છે. ડાકોર મંદિરમાં બિરાજમાન ભગવાન કૃષ્ણના સ્વરૂપનું રણછોડરાયના નામથી પૂજન થાય છે. દેશભરના કૃષ્ણ મંદિરોમાં હોળી તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. હોળી તહેવાર પર ભગવા કૃષ્ણના મંદિરોમાં મંગળા આરતી, ભોગ, શયન પૂજા ઉપરાંત વિશેષ કરીને ફૂલડોલ ઉત્સવનું આયોજન થાય છે. આજે 13 માર્ચના રોજ હોળી તહેવારની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ભક્તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા ડાકોર તરફ ડોટ મૂકી છે. ડાકોર મંદિરને લઈને પૌરાણિક પ્રચલિત વાયકા મુજબ ડાકોરમાં રહેતા એક કૃષ્ણ ભક્ત દરરાત્રિએ ચાલીને દ્વારકામાં કૃષ્ણના દર્શન કરવા જતા હતા. પરંતુ ભક્ત બીમાર પડતા દ્વારકા ના જઈ શકવાનું ખૂબ દુઃખ થયું. કૃષ્ણએ ડાકોરના ભક્તની પીડા જાણી તેને કહ્યું કે હવે તારે દર્શન કરવા દ્રારકા નહીં આવું પડે હું અંહી જ બિરાજમાન થઈશ. અને આમ ડાકોર મંદિરની સ્થાપના થઈ.









